Gir Somnath News | ઉના (Una) ના નાલીયા માંડવી ગામે હત્યા (Murder)ની ચોંકાવનારી ધટના સામે આવી છે. ઘરમાં વારંવાર ઝગડો કરતાં યુવકને તેના જ સગાં ભાઈ એ કુહાડીના ઘા ગળાંનાં ભાગે મારી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રીજા ભાઈએ પોલીસ ને જાણ કરતા અંતે ભાંડો ફૂટ્યો હતો. આ પછી પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કઢાવ્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
ઊનાના અહેમદપુર માંડવી ગામે મૃતક હનીફ કુહાડી લઈને ઘરે ઝઘડો કરવા આવ્યો હતો. તે અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ વખતે આરોપી જાવેદે કુહાડી છીનવી લઈને તેના માથામાં ઘા મારી દીધો હતો. જેના કારણે હનીફનું મોત નિપજ્યું હતું.
હનીફની ઘરમાં સવારે હત્યા કર્યા બાદ લોહી ના ડાધ સહિત પુરાવાનો નાશ કર્યો અને બપોરે ઘર મેળે કોઈને જાણ કર્યા વગર પરિવારનાં સભ્યો દ્વારા દફનવિધિ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. જો કે, મૃતકના નાના ભાઈ ઈબ્રાહિમ જમાલ શેખે દફનવિધિ બાદ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસને સાંજે 6:30 વાગ્યે જાણ થતાં તેમણે કાર્યવાહી શરૂ કરી હતી.
દફનવિધી કર્યા બાદ ઘરે ફાતિયાની અંતિમ વિધી ચાલતી હતી એ વખતે પોલીસનો કાફલો નાલીયા માંડવી ગામે પહોંચી વિધીમાં હાજર હત્યા કરનાર આરોપીને ઉઠાવી ધરપકડ કરી લીધો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારી, ઉના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મૃતદેહને કબ્રમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહને કબ્રસ્તાનમાં કબરમાંથી બહાર કાઢી ઉના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકનાં ભાઈ સામે ફરીયાદ નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇબ્રાહિમ પણ કબર પરથી માટી ખસેડવામાં સાથે રહ્યો હતો. ભાઈના મૃતદેહ પર દફનવિધિ વખતે માટી નાખી અને ક્લાકો બાદ માટી કાઢી ત્યારે ઈબ્રાહિમ ભાવુક થઈ ગયેલ.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.