ICCએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને આપી સજા, WTCમાં ભારતને બમ્પર ફાયદો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફાય થવાની ન્યુઝીલેન્ડની આશાને ફટકો પડ્યો છે. સમગ્ર ઘટના એવી છે કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. જેમાં સ્લો ઓવર રેટ માટે તેને ત્રણ પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડની ટીમ WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ જાણકારી આપી. ન્યુઝીલેન્ડ દ્વારા પોઈન્ટની કપાત એ ભારત માટે સારા સમાચાર છે. હવે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સરળ બની ગયો છે. ન્યુઝીલેન્ડ પાસે હવે 47.92 ટકા પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ સામેની બાકીની બે મેચ જીતવા છતાં તેના પોઈન્ટને મહત્તમ 55.36 ટકા સુધી વધી શકે છે. દક્ષિણ આફ્રિકા 59.26 ટકા પોઈન્ટ, ઓસ્ટ્રેલિયા 57.26 ટકા પોઈન્ટ અને શ્રીલંકા 50 ટકા પોઈન્ટ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

ન્યૂઝીલેન્ડને ICC તરફથી બેવડો ફટકો

આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોર્ડ્સમાં આગામી વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા માટેની રેસમાં એક નવો વળાંક આવ્યો છે. ક્રાઇસ્ટચર્ચમાં સિરીજની પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. બંને ટીમોને તેમની મેચ ફીના 15 ટકા દંડ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્પર્ધાના પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. ચોથા માંથી પાંચમા સ્થાને આવેલી ન્યૂઝીલેન્ડ માટે એક ઝટકો છે. પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા ન્યુઝીલેન્ડ જૂન 2025માં યોજાનારી ફાઇનલમાં જવા માટે તેમણે ઇંગ્લેન્ડ સામેની બાકીની બે ટેસ્ટ જીતવી પડશે. ઉપરાંત અન્ય ટીમના પરીણામ પર નિર્ભર રહેવું પડશે.

બંને ટીમોને 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે નિર્ધારિત સમય કરતાં ત્રણ ઓવર ઓછી ફેંકી હતી. બંન્નેને ઓવર ઓછી ફેંકવા બદલ એક પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને કપ્તાન – ન્યુઝીલેન્ડના ટોમ લાથમ અને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે – ઔપચારિક સુનાવણીની જરૂરિયાતને દૂર કરીને ગુનો અને સૂચિત સજા સ્વીકારી હતી. ઓનફિલ્ડ અમ્પાયર અહેસાન રઝા અને રોડ ટકર, ત્રીજા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ચોથા અમ્પાયર કિમ કોટને આરોપો મૂક્યા હતા.

 

Scroll to Top