World Kathol Day: સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ, તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન 2,47,789 ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે.
કઠોળ પાકોના ઉત્પાદન માટે ખેડૂતોને મળતી સહાય યોજનાઓ
કઠોળની ખેતી (World Kathol Day) અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. તેમજ કઠોળના ઉત્પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્પાદનમાં એક મુખ્ય યોગદાનકર્તા રાજ્ય તરીકે ઉભર્યું છે, અને આ મહત્વપૂર્ણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
રહ્યું છે.
કઠોળના ઉત્પાદનમાં ગુજરાતનો નોંધપાત્ર વિકાસ
તુવેર અને ચણાના અનુક્રમે 1163 કિગ્રા પ્રતિ હેક્ટર અને 1699 કિગ્રા પ્રતિ હેક્ટરના ઉત્પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, મગ અને અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે, જેમાં મગનું ઉત્પાદન 810 કિગ્રા પ્રતિ હેક્ટર અને અડદનું ઉત્પાદન 721 કિગ્રા પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના કઠોળનું વાવેતર થાય છે.
ખેડૂતોની આવકમાં વધારો અને જીવનધોરણમાં સુધારો
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કઠોળના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કઠોળ હેઠળનો કુલ વિસ્તાર 2018-19 માં 6.62 લાખ હેક્ટરથી વધીને 2022-23 માં 13.10 લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, કઠોળના ઉત્પાદનમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે, એટલે કે ઉત્પાદન 2018-19 માં 6.79 લાખ મેટ્રિક ટનથી વધીને 2022-23 માં 18.11 લાખ મેટ્રિક ટન થયું છે, જેમાં ચણા, મગ, મઠ અને અડદના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાલી ચણાના જ વાવેતર અને ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. ચણાનો વાવેતર વિસ્તાર 2018-19માં 1.73 લાખ હેક્ટરથી વધીને 2022-23માં 7.64 લાખ હેક્ટર થયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્પાદન 2.35 લાખ મેટ્રિક ટનથી વધીને 12.98 લાખ મેટ્રિક ટન થયું છે.
Kathol