Gujarat News: વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (Post-Matric Scholarship) યોજના વર્ષ ૨૦૨૪-૨૫થી બંધ કરવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરે (Kuber Dindor) જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તા.28ક્ટોબર 2024ના ઠરાવથી વર્ષ 2024-25 વર્ષથી આ યોજના હેઠળ માત્ર મેનેજમેન્ટ ક્વોટા હેઠળ અપાતી શિષ્યવૃત્તિ યોજના બંધ કરવામાં આવી છે. જ્યારે એ પહેલાં વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવનારા મેનેજમેન્ટ ક્વોટા સહિત તમામ ક્વોટાના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જેથી આવા એક પણ વિદ્યાર્થીના અભ્યાસને અસર થશે નહીં, તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આવક મર્યાદા 2.50 લાખ કરવામાં આવી
આ અંગે મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ કે જેઓની માતા- પિતા વાલીની વાર્ષિક આવક રૂ.2.50- લાખ સુધીની હોય તેઓને આ યોજના હેઠળ 75:25ના ધોરણે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (Post-Matric Scholarship) યોજના અંતર્ગત સામાન્ય વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ.2.50 લાખ નિયત કરવામાં આવી છે. જ્યારે રૂ.2.50 લાખથી વધુ કૌટુંબિક આવક ધરાવતી કન્યાઓ માટે વર્ષ 2008 થી રાજ્ય સરકાર દ્વારા ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (Post-Matric Scholarship) યોજના અન્વયે શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.
વર્ષ 2008થી આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તા. 01 એપ્રિલ, 2022ની અસરથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને રાજય સરકાર દ્વારા તા.28 ઑક્ટોબર, 2024ના ઠરાવ મુજબ મેનેજમેન્ટ ક્વોટા સંદર્ભેની સૂચનાઓના કારણે નવા વર્ષમાં પ્રવેશ મેળવેલા આદિજાતિના વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે વિધાર્થીઓના હિતને ધ્યાને રાખી, રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૫ એપ્રિલ, ૨૦૨૪ના પત્રથી શૈક્ષણિક વર્ષ 2022-23 તથા 2023-24 માં પ્રવેશ મેળવનારા તમામ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તથા વધુ આવક ધરાવતી કન્યાઓ માટે પણ જૂની ગાઇડલાઇન પ્રમાણે ચૂકવણું કરવા મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.