Gujarat BJP : મોદી-શાહની પસંદ કોણ ? આ નામની ચર્ચાઓ શરૂ

Gujarat Politics News : ગુજરાત ભાજપ (BJP) ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આખા ગુજરાતની અંદર કેસરીયો લહેરાવી દીધો છે. વિધાનસભા, લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બંપર જીત મેળવી છે. જો કે, ગુજરાતમાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખની સમય અવધિ પુર્ણ થઈ છે આથી ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

પાટીલને કેન્દ્રમાં મંત્રી બનાવી દેવામાં આવ્યા છે, જો કે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે હજુપણ કાર્યરત છે. પરંતુ ટૂંક સમયમાં સીઆર પાટીલને વિદાય આપવામાં આવશે. અત્યારે તેઓની પાસે જળ શક્તિ મંત્રાલય છે, આ મંત્રાલય વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, તેઓને અત્યાર સુધીના તમામ મંત્રીઓએ કરેલા કામો કરતા વિશેષ કામ કરવા માંગતા હતા આથી તેઓ કરી પણ રહ્યા છે..આથી ગુજરાત ભાજપમાં (BJP) નવા પ્રમુખની વરણી થશે.

હવે હોળાષ્ટક પૂર્ણ થઈ ચુક્યા છે. ધુળેટીના રંગોમાં ગુજરાત ભાજપના તમામ નેતાઓ પણ રંગાઈ ચુક્યા છે અને પ્રમુખનો રંગ કોઈક એવા વ્યક્તિના માથે ઢોળાશે કે તે કેસરીયો થઈ જશે. કોણ પ્રદેશ પ્રમુખ બનશે તેની ચર્ચાએ હવે જોર પકડ્યું છે.

ચર્ચામાં રહેલા નામ પૈકી ટોચનું નામ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ( Vijay Rupani) છે. સૌરાષ્ટ્રમાંથી જો કોઈની પસંદગી કરવાની આવે તો વિજય રૂપાણી એ એક મહત્વનું નામ એટલા માટે ગણવામાં આવે છે…. કારણ કે તેઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ( Narendra Modi )ની નજીકના અને વિશ્વાસુ છે. પરંતુ શું વિજય રૂપાણીનો તાલમેલ ભૂપેન્દ્ર પટેલ સાથે કેવો રહેશે તે અગત્યનું છે. જ્યારે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સીઆર પાટીલ સાથે તેમનો તાલમેલ નહોતો એવો ગણગણાટ હતો. પછી ફેરફારો થયા વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે, ફરી વખત વિજય રૂપાણીનું નામ ચાલ્યું છે.સંભાવના એવી પણ છે કે તેમને કેન્દ્રીય સંગઠનમાં મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવે કારણ કે નરેન્દ્રભાઈને પોતાના વિશ્વાસુઓની કેન્દ્રમાં પણ જરૂર છે એટલે જોવાનું કે, રૂપાણી ગુજરાત આવે કે દિલ્હી જશે.

ઉત્તર ગુજરાતમાંથી જો કોઈ નામની પસંદગી કરવાની આવે તો મયંક નાયકનું નામ અગ્રેસર છે. જેઓ સાંસદ તરીકે અત્યારે કાર્યરત છે. આ સિવાય ઉત્તર ગુજરાતથી રજની પટેલ નું નામ પણ ચર્ચામાં છે. રજની પટેલનો તાલમેલ તમામ નેતાઓ સાથે બેસે છે. આથી તેઓનું નામ પણ ચર્ચામાં છે. આ સિવાય જો સરકારમાંથી જ કોઈ મંત્રી પ્રમુખ બને તેવી વાત પણ ચર્ચામાં છે. તો પછી જગદીશ પંચાલ એટલે હવે તેમને લોકો જગદીશ વિશ્વકર્માના નામે ઓળખે છે. કારણ કે, તેઓ અમિત શાહના વિશ્વાસુ છે. જગદીશ વિશ્વકર્માનું નામ પણ હરોળમાં છે.

આ સિવાય જો કોઈ મહિલાને જો કમાન સોંપવામાં આવે તો સંગીતા પાટીલનું નામ ચર્ચા છે. સંગીતા પાટીલ દક્ષિણ ગુજરાતના મહિલા નેતા છે. બીજું નામ છે દર્શિતા શાહ જેઓ રાજકોટથી છે અને દમદાર નેતા છે. આ સિવાય જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચામાં છે. જો કે, મુખ્યમંત્રી પટેલ હોવાને કારણે કોઈ પટેલ પ્રમુખ બને તેવી શક્યતાને પાર્ટીના નેતાઓ બહુ ઓછી જોઈ રહ્યા છે. આ સિવાય જામનગર સાંસદ પૂનમ માડમનું નામ પણ ચાલી રહ્યું છે. પૂનમ માડમ એક દમદાર નેતા છે તેમની વગ છે અને તેમને આ પ્રકારના વહીવટ કરવાની નો અનુભવ પણ છે. તમને શું લાગી રહ્યું છે ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બનશે જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં

Scroll to Top