Gujarat News: મધ્યાહન ભોજન માટે શિક્ષણમંત્રીએ આપ્યા શું આદેશ ?

Gujarat News : વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના ( MID DAY MEAL) માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર જણાવ્યું કે તા.1 ફેબ્રુઆરી, 2023થી તા.31 જાન્યુઆરી, 2024 સુધીમાં રૂ. 1146.12 કરોડ અને તા.1 ફેબ્રુઆરી,2024 થી તા.31 જાન્યુઆરી, 2025 સુધીમાં રૂ. 1073.56 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

પ્રતિ માસ રૂ.273નો ખર્ચ કરવામાં આવ્યો

આ અંતર્ગત બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે તા.1 ફેબ્રુઆરી, 2023થી તા.31 જાન્યુઆરી,2024 સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5 ના બાળક માટે પ્રતિ માસ રૂ 156.78 અને ધોરણ 6 થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂ.220.22નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે, તા.1 ફેબ્રુઆરી,2024 થી તા.31 જાન્યુઆરી, 2025 સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિમાસ રૂ.191.62 અને ધોરણ – 6 થી 8 ના બાળક માટે પ્રતિ માસ રૂ.273નો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

મંત્રી ડિંડોરે કહ્યું કે મધ્યાહન ભોજન ( MID DAY MEAL) માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે 60 ટકા અને 40 ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. 13 ફેબ્રુઆરી, 2025ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટિરિઅલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. 6.19 અને ધોરણ 6 થી 8ના પ્રતિ વિદ્યાર્થી રૂ. 9.29 દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે રૂ.2 અને ધોરણ 6 થી 8 માટે રૂ.2.37 દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે.

સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન

હાલ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. 8.19 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીદીઠ કુલ રૂ. 11.66 દૈનિક મટિરિઅલ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં ( MID DAY MEAL) લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે તેમજ કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન છે.

 

Scroll to Top