Delhi Assembly Election: દિલ્હીમાં 15 વર્ષ બાદ આમ આદમી પાર્ટીના હાર થતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી અને નૈતિકતાના આધારે ચૂંટણી લડ્યા.પરંતુ જે પરિણામ આવ્યું તે પરિણામ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને માન્ય છે.સત્તા ન હતી ત્યારે પણ આમ આદમી પાર્ટી કામ કરતી હતી અને જ્યારે હવે સત્તા નહીં હોય ત્યારે પણ આમ આદમી પાર્ટી પોતાના કામ કરતી રહેશે. એક રાજ્યમાં સત્તા જવાથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નિરાશ થશે નહીં. અમે બમણા જોરથી પ્રજા વચ્ચે જઈશું અને કામ કરીશું.
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ કર્યા આક્ષેપ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના વિરુદ્ધ ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ સહિતની અનેક સરકારી એજન્સીઓ અને LG, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ આમ તમામ લોકો લાગી ગયા હતા. છ મહિના સુધી એક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જેલમાં રાખ્યા હતા. અને ત્યારબાદ છેલ્લે ભાજપે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાજપના કાર્યકર્તાઓને દિલ્હીમાં વોટર બનાવ્યા અને 2000, 5000, 7000 નવા મતદારોને એડ કર્યા અને આમ આદમી પાર્ટીના મતદારોને મતદારયાદીમાંથી હટાવી દીધા. આ તમામ ષડયંત્રો આજે ખુલ્લા પડી ગયા છે. અરવિંદ કેજરીવાલજી વિરુદ્ધ જે પ્રવેશ વર્મા જીત્યા છે તેઓ ખુલ્લેઆમ મહિલાઓને 2500 રૂપિયા આપતા હતા. આ પૈસા માટે એક એક કિલોમીટરની લાઈનો લાગી હોય અને ચૂંટણી પંચ આંખો બંધ કરીને બેસી રહ્યું. આટલું નઠારું ચૂંટણી પંચ અત્યાર સુધી આખા ભારત દેશમાં કોઈએ જોયું નથી. તો આ રીતે ચૂંટણી પંચ, એલજી, પોલીસની ગુંડાગર્દીથી આખો માહોલ બનાવવામાં આવ્યો હતો.
ગુંડાગર્દીની અને ગાલી ગલોચની રાજનીતિની જીત થઈ
દિલ્હીમાં કામની રાજનીતિની સામે ગુંડાગર્દીની અને ગાલી ગલોચની રાજનીતિની જીત થઈ છે.આ રાજનીતિ દિલ્હીને પાછળ લઈ જશે. જ્યારે ભાજપ સત્તામાં આવશે ત્યારે ગુજરાતમાં જેમ સરકારી સ્કૂલોને કબ્જે કરીને પ્રાઇવેટને સોંપી દીધી, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલજીએ જે શાનદાર સ્કૂલો બનાવી છે તે સ્કૂલો ભાજપના લોકો લઈ લેશે. મોહલ્લા ક્લિનિકને બંધ કરી દેવામાં આવશે અને ગુજરાતમાં હોસ્પિટલોને ભાજપના નેતાઓએ અને ઉદ્યોગપતિઓએ પોતાના કબજામાં લીધી છે તે જ રીતે અરવિંદ કેજરીવાલજીની બનાવેલી શાનદાર હોસ્પિટલો પર કબજો કરી લેવામાં આવશે. દિલ્હીની 80% સરકાર એલજી દ્વારા ચાલતી હતી અને મુખ્યમંત્રી પાસે કોઈ વધારે પાવર રહેવા દીધા ન હતા. લેન્ડ, પોલીસ અને એન્ટીકરપ્શન બ્યુરો સહિત તમામ પાવર LG અને કેન્દ્ર સરકાર પાસે હતા. દિલ્હીના લોકોને ડરાવ્યા ધમકાવ્યા અને પરેશાન કરવામાં આવ્યા અને અરવિંદ કેજરીવાલજીની સરકારના અધિકારીઓએ મુખ્યમંત્રીના આદેશો માને નહીં તે લેવલ સુધી ચૂંટણીને લાવી દીધી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 44% વોટ મળ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 44% વોટ મળ્યા છે અને ભાજપને 46% વોટ મળ્યા છે અને કોંગ્રેસને છ-સાત ટકા અને બચેલા વોટો બીજા લોકોને મળ્યા છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે હકીકતમાં 52%થી વધુ મત ભાજપની વિરુદ્ધ પડ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીની જનતાએ ભાજપને સ્વીકાર્યા નથી. પરંતુ ભાજપના ષડયંત્રોની કોશિશ સફળ રહી છે. જે પાર્ટી પાસે ઓફિસયલી ઓનપેપર 7000 કરોડ રૂપિયા હોય તે લોકોએ પાણીની જેમ પૈસા વહાવ્યા હશે અને આ પૈસા માટે લોકોની લાઈનો લાગી હોય તે આખા દેશી જોયું છે. અરવિંદ કેજરીવાલજીની હાર પર એટલું જ કહીશ કે ઉત્તરાખંડમાં પણ મુખ્યમંત્રી હાર્યા હતા ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીજી પણ પોતાની ચૂંટણી હાર્યા હતા, મમતા બેનર્જી પણ ચૂંટણી હાર્યા હતા, માટે અમારું માનવી છે કે ચૂંટણીઓમાં હારજીત રહેવાની. જે રાજનૈતિક લોકો પ્રજાની સેવા કરવા માટે આવ્યા હોય છે, તેઓ ક્યારે હારથી ગભરાતા નથી હોતા.