Khyati Hospital: હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ ખ્યાતી કાંડ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતુ કે, આ ઘટના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી-ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી.ટીમ દ્વારા તમામ 19 કેસના રેકર્ડની તપાસ કરાઇ. દાખલ દર્દીઓના કેસપેપર્સ તપાસવામાં આવ્યા. એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીના ડીજીટલ રેકર્ડ તપાસવામાં આવ્યા.
નવીન SOP બહાર પાડવામાં આવી
આ કેસમાં સર્જરી માટે દર્દીઓ સંબંધીઓની સંમતિ લેવામાં આવી ન હોવાનું,દર્દીઓના તબીબી રેકોર્ડની સમીક્ષામાં મોટાભાગના દર્દીઓમાં એન્જીયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હોવાનું, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ રેકોર્ડ પર જણાવેલ ન હોવાનું તેમજ પ્રાથમિક દૃષ્ટિએ દર્દીઓને હૃદયની કોઈ ગંભીર બીમારી હોવાનું જણાયેલ ન હતું . તેઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે તેવી કોઈપણ પ્રકારની સમજ કે માહિતી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવી
ટીમના પ્રાથમિક તારણોને ધ્યાનમાં લીધા બાદ ખ્યાતી હોસ્પિટલના દાવાની રૂ.3.17 કરોડની ચુકવણી અટકાવી (Payment Stop)દેવાઇ, યોજના અંતર્ગત ખ્યાતી હોસ્પિટલને યોજનામાંથી કાયમી ધોરણે ડી-એમ્પેનલ કરવામાં આવી તેમજ ડૉ. પ્રશાંત વજીરાણીને યોજનામાંથી કાયમી ધોરણે બરતરફ કર્યા. ગુજરાત મેડ઼િકલ કાઉન્સીલ(GMC) એ ડૉ. પ્રશાંત વજીરાણી અને ડૉ. સંજય પટોલીયાના લાયસન્સ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે રદ્દ કર્યા છે.પ્રશ્ન કાળ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતુ કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્યમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ-૨૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ.3.13 કરોડ અને તે પહેલા કુલ ૫૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને કુલ રૂ.16.77 એમ મળીને અત્યારસુધીમાં કુલ-74 હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ.19.9 કરોડની પેનલ્ટી લગાવામાં આવી હતી.આ ઉપરાંત વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવી.