Weather Update | રાજ્યભરમાં આકાશમાંથી આગ ઓકતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આવનારા દિવસોમાં ગરમી તેમજ ચોમાસા (Monsoon) ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનવું છે કે, 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, દાહોદ, લીમખેડામાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે, તો વડોદરા, આણંદ, હળવદ, સુરેન્દ્રનગરમાં છાંટા અને પવન સાથે આંધી આવશે તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટી 10 મે બાદ શરૂ થશે અને 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને દરિયાકાંઠે પવન ફૂંકાશે.
એપ્રિલમાં વાતાવરણમાં પલટો આવશે
રાજ્યના પૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં 11 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે તેમજ ગાજવીજ સાથે વરસાદી માહોલ થશે અને વરસાદી છાંટા પણ પડશે, કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી રહી શકે છે.
દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી લોકોને અકળાવી દેશે
12-13 એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે, 14મી એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 26 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે, મે મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે. મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે, સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ચોમાસું વહેલું આવશે
આ વર્ષે ચોમાસું વહેલું આવશે. જેમાં આગામી 22 થી 27 મે વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં વરસાદ વધતો-ઓછો રહી શકે છે. જો કે ગંગા-જમનાના મેદાનો કેવા તપે છે, તેના પર ચોમાસાનો આધાર રહેશે.