Gujarat Weather: ગુજરાતમાં આજે આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી જન જીવન પ્રભાવિત થયું છે. સૂર્યદેવ કોપાયામાન થતા સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આજે પણ તાપમાનનો પારો વધતા લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ચાર જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. આજે ભાવનગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બપોર પડતાની સાથેજ મોટા ભાગના માર્ગો સુમસામ જોવા મળે છે. ધોમધખતા તાપના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગરમીનો પ્રકોપ યથાવત
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીનું યલો એલર્ટ જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે તાપામનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ ગુજરાતના કેટલાક પ્રદેશમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
ગુજરાત પ્રદેશમાં આજથી 1 મે દરમિયાન મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન 40 થી 45 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પર ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે.
તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર
રાજ્યમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર પહોચ્યું છે. હજુ નજીકના દિવસમાં ગરમીથી કોઈ રાહત મળે તેવા કોઈ એંધાણ નથી. રાજ્યભરમાં ગરમીએ માઝા મૂકતા ગરમ પવનોના સામનો કરવો પડતો હોવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભીષણ ગરમીને પગલે રસ્તાઓ ઉપર કુદરતી કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે લોકો ગરમીથી બચવા હિલ સ્ટેશનો તેમજ વોટરપાર્કની મુલાકાત લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લોકોએ હજુપણ આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે .