Weather Update :- 24 કલાક રાજ્ય માટે ભારે, એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય

Weather update :- ગુજરાતમાં હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.  વાવાઝોડુંની સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સીસ્ટમ એકસાથે સક્રિય થઈ રહી છે. આ ભયાનક વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ શકે છે આથી ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યુ છે.

આ જિલ્લામાં આપવામાં આવ્યુ ઓરેન્જ એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી સતત વરસાદ રહી શકે છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દીવ-દમણમાં વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. તંત્રએ તાકીદના પગલા રૂપે તટવર્તી વિસ્તારોમાં અવરજવર પર નજર રાખવા સૂચના આપી છે.

ભારે વાવાઝોડુ ફુંકાવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા સૂચના આપી છે.

મહત્વનું છે કે મુંબઈ સહિત દેશભરમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યુ છે. હવે ચોમાસુ 120 કિલોમીટર જેટલું જ ગુજરાતથી દૂર છે. એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે. પરંતુ આ વખતે તો જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શકયતાઓ ઉભી થઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો વરસાદ વરસી જ રહ્યો છે.

Scroll to Top