Weather Tracker: આજથી 20 દિવસ પહેલા હવામાન વિભાગ અને નિષ્ણાંતની આગાહી પ્રમાણે એવું લાગતું હતું કે રાજ્યમાં ચોમાસુ વહેલું આવશે. પણ હવે એવું લાગી રહ્યું છે કે બધાની આગાહી ખોટી પડી છે. હીટવેવ અને વરસાદની આગાહી આપવામાં આવી છે. પણ હાલ ચોમાસુ વીધીવત ક્યારે બેસસે એનું કોઈ અનુમાન નથી. પણ આજથી 7 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
આજે એટલે કે 7 જૂનના રોજ પણ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત Ambalal Patel એ જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને લીધે હવામાનમાં પલટો આવશે. ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ 70થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઈક ભાગમાં 20થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે. આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે. આગામી 14થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ પછી 21,22 અને 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે.
IMD Ahmedabad ના હવામાન ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો – Mukesh Ambani: ‘ગુરુ દક્ષિણા’ તરીકે કરોડોનું આપ્યું દાન
Weather Tracker મુજબ, જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં (શરૂઆતના 15 દિવસ) વરસાદનું જોર ધીમું રહેશે, જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે. આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત્ હોવાનું પણ જણાવાયું છે, જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે. આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે. જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે.
મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ભારતની કૃષિ-આધારિત અર્થવ્યવસ્થા માટે દક્ષિણપશ્ચિમ ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) જીવનરેખા સમાન છે. એ પાકો માટે જરૂરી લગભગ 70% પાણી પૂરું પાડે છે અને જળાશયો તથા ભૂગર્ભજળ જેવા મહત્ત્વપૂર્ણ જળ સ્ત્રોતોને ફરી ભરે છે. ભારતમાં લગભગ અડધી ખેતીલાયક જમીન સિંચાઈ સુવિધાઓથી વંચિત હોવાથી, ચોમાસાનો વરસાદ વિવિધ પાકોની ખેતી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.