Bardoli News : વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. બંને ગૃહમાં બિલ NDAનાં સાથી પક્ષોએ આ બિલનું સમર્થન કર્યું હતું. તેના કારણે તેના સાથી પક્ષોમાં વિરોધ જોવા મળ્યો છે. ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યા છે. હવે આ કકળાટ ગુજરાતમાં સુધી પહોંચ્યો છે અને ભાજપમાંથી પ્રથમ રાજીનામુ પડ્યું છે. બારડોલી ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
વકફ બિલને બંને ગૃહની મંજૂરી મળ્યા બાદ ગુજરાત ભાજપમાં પહેલું રાજીનામું પડ્યું છે. સુરતના બારડોલીનાં ભાજપનાં નેતાએ વકફ બિલને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. બારડોલીનાં પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપના પ્રાથમિક તેમજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કાલુ કરીમ શેખ વર્ષ 2019માં પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા.
શું કહ્યું કાલુ કરીમ શેખએ?
કાલુ કરીમ શેખે રાજીનામું આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં “સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ” ના સૂત્રથી અંજાઈને અને મારા વિસ્તારના વિકાસના કાર્યો કરવા હું વર્ષ 2019માં બારડોલી નગરપાલિકાનાં કોંગ્રેસી કોર્પોરેટર પદે કાર્યરત હોવા છતાં ભાજપમાં જોડાયો હતો. વર્ષ 2021 બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.6માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો અને ઐતિહાસિક જીત મેળવી. પાર્ટી દ્વારા સંગઠનમાં બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ સહિત બારડોલી નગર ભાજપનાં મુખ્ય સંગઠનમાં પ્રવક્તા તરીકેની અગત્યની જવાબદારી પણ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ‘સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ સૂત્રને સાર્થક કરવાને બદલે પક્ષની નીતિરીતિમાં મુસ્લિમ સમાજ માટેનું ઓરમાયું વર્તન વધતું જાય છે. વકક સુધારણ બીલ તથા UCC (સમાન સિવિલ કોડ) જેવા કાયદા એ મારા પવિત્ર કુરાનના શરિઅતી કાનુનથી સાવ વિરુદ્ધ હોય મારી મારા ધર્મ અને સમાજ પ્રત્યેની લાગણી દુભાય છે. જેનાથી હું આજે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય સહિત સંગઠનનો તમામ પદી પરથી રાજીનામું આપું છું.
NDA ઘટક પક્ષોમાં પણ રાજીનામા પડ્યાં
વકફ સુધારા બિલને મંજૂરી મળ્યા બાદ દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વકફ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપતા NDA ઘટક પક્ષોમાં આંતરિક ઝઘડો જોવા મળી રહ્યો છે. નીતિશ કુમારના જેડીયુ અને જયંત ચૌધરીના આરએલડીના નેતાઓએ તો રાજીનામું પણ આપી દીધું છે. જનતા દળ યુનાઇટેડના બિલના પક્ષમાં વલણને કારણે પાર્ટીના મુસ્લિમ નેતાઓ ગુસ્સે છે.