America: ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર જણાવ્યું હતું કે, મહેસાણા, સુરત અને બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં વિકસતી જાતિના 465 વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન પેટે રૂ. ૬૧ કરોડથી વધુ રકમની ચુકવણી કરી હતી.
વિદેશ અભ્યાસ લોન માટે 61 કરોડની જોગવાઈ
વિકસતી જાતિના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ લક્ષી અભિગમના પરિણામે આજે વિદેશમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે. મહેસાણા, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં તા.31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકસતી જાતિ કલ્યાણ હસ્તક કુલ 465 વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.15 લાખ પેટે કૂલ ફાળવામાં આવ્યા છે.રૂ.61 કરોડથી વધુની રકમ વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ચૂકવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમારે આપી માહિતી
રાજ્ય મંત્રી પરમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં કુલ 297 અરજીઓ પૈકી 224 અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અંતર્ગત કુલ રૂ.27.14 કરોડની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 284 પૈકી 182 અરજી મંજૂર કરવામાં આવી છે તે હેઠળ રૂ.26.57 કરોડની વિદેશ અભ્યાસ લોન સહાય અપાઇ છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ 84 પૈકી 59 અરજી મંજૂર કરી છે તે અંતર્ગત રૂ.9.33 કરોડની વિદેશ અભ્યાસ લોન વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સહાય પેટે આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2001માં આ યોજના હેઠળ રૂ.05 લાખ, ત્યારબાદ વર્ષ 2007માં રૂ. 10 લાખ તેમજ હાલમાં વર્ષ 2014 થી આ રકમ વધારીને રૂ.15 લાખ કરવામાં આવી છે.