અમદાવાદનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મલાઈદાર-વગદાર આરોપીની સરભરા કરી આપવા માટે જાણીતુ બની ગયું છે.. દર્દીઓના હૃદય ચીરી નાખનારા ડો. પ્રશાંત વજીરાણીને પોલીસ મહેમાનની જેમ સાચવી રહી છે. પોલીસ સ્ટેશનનું જમવાનુ આપવાના બદલે ડો. પત્ની પ્રીતીએ બનાવેલું ભોજન પીરસાઈ રહ્યું છે. અગાઉ ત્રણ વર્ષ પહેલાં પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલને વસ્ત્રાપુર પોલીસે ચાલુ રિમાન્ડે વીવીઆઇપી સુવિધાઓ પૂરી પાડી હતી અને હવે આ જ વસ્ત્રાપુર પોલીસે ગરીબોના હૃદય ખોટી રીતે ચીરનાર આરોપી ડૉ.પ્રશાંતની પણ મહેમાનગતિ કરતા હોય તેવી તસ્વીર સામે આવી છે.
પત્ની પ્રીતીએ ઘરે બનાવેલું ભોજન આપ્યું
વસ્ત્રાપુર પોલીસે ડૉ.પ્રિતી વજીરાણી ઘરેથી પતિ માટે ટિફિન બનાવીને લાવે અને વસ્ત્રાપુર પોલીસના કર્મીઓ એક ભોજનાલય મારફતે ટિફિન પોલીસ સ્ટેશનમાં પહોંચાડાય છે. જ્યાં પોલીસકર્મીઓ ભોજનાલયની ડાયરીમાં એન્ટ્રી પાડીને પત્નીના હાથનું બનેલુ ભોજનનો સ્વાદ માણવા ડૉ.પ્રશાંત વજીરાણીને આપીને વીવીઆઇપી સુવિધાઓ પૂરી પાડી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મંગાવે અને ભોજનાલયના સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જાય તેમ છે.
પોલીસે ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા
ખ્યાતિકાંડના આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીની બુધવાર રાત્રે પોલીસે ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શનિવાર બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ ડૉ. પ્રિતી વજીરાણી જે આરોપીની પત્ની બે થેલા ભરીને આવે છે. બાદમાં હાજર પોલીસકર્મી ડૉ. પ્રિતીને પોલીસ સ્ટેશનની સામે આવેલા એક ભોજનાલયમાં મોકલે છે. ડૉ. પ્રિતી અને એક પોલીસકર્મી મળીને ભોજનાલયમાં ઘરનું બનાવેલું ભોજન ટિફિનમાં ભરીને પોલીસકર્મીના કહ્યા પ્રમાણે ભોજનાલયના સ્ટાફને આપે છે. પોલીસકર્મીના આદેશથી ભોજનાલયનો કર્મી ડૉ.પ્રિતીએ આપેલ ટિફિન એક સફેદ થેલીમાં પેક કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં PSO રૂમમાં આપે છે. આમ વસ્ત્રાપુર પોલીસ ડૉ. પ્રિતીએ બનાવેલા ભોજનની મજા ડૉ. પ્રકાશ વજીરાણીને કરાવી રહ્યાં છે.