Vijay Rupani: પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન

Vijay Rupani (3)

ગઈકાલે થયેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના નિધનના સમાચારથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાના સમાચાર મળ્યા પછી રાજકોટમાં આવેલા Shri Pujit Rupani Memorial Trust ના સભ્યો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી. ટ્રસ્ટના સભ્યો ભાવુક થઈને જણાવ્યું છે કે, “અમે હજી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે DNA ટેસ્ટ મેચ ન થાય અને ભગવાન કોઈ ચમત્કાર કરે, જેથી વિજયભાઈ સાજા થઈને પરત ફરે.”

ટ્રસ્ટના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જ્યારે આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી, ત્યારથી તેઓ સૌરાષ્ટ્રભરના નાના વર્ગના બાળકો તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણતરમાં કઈ રીતે આગળ લઈ આવવા તેની હંમેશા ચિંતા કરતા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ઝૂંપડપટ્ટીના બાળકો સ્વસ્થ રહે અને ભણીને આગળ આવે. આ ઉપરાંત, ગરીબ દર્દીઓને ઓછામાં ઓછા ખર્ચમાં અથવા તો મફતમાં શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ હંમેશા કાર્યરત રહ્યું હતું.

પૂજિત રૂપાણી ટ્રસ્ટના મેનેજર ભાવિન ભટ્ટે કહ્યું કે, “વિજયભાઈ હંમેશા બાળકો અને ગરીબ દર્દીઓની ચિંતા કરતા હતા. તેમનું જીવન લોકો માટે સમર્પિત હતું.” ટ્રસ્ટના સભ્યોએ યાદ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા પછી પણ વિજયભાઈ પોતાની ખુશીના પ્રસંગો, જેમ કે પોતાનો જન્મદિવસ કે પૂજિતનો જન્મદિવસ, હંમેશા અંજલીબેન સાથે ટ્રસ્ટના બાળકો સાથે જ ઉજવતા હતા. આટલું જ નહીં, પરંતુ પૂજિત રૂપાણી ટ્રસ્ટના પ્રયાસો થકી ઝૂંપડપટ્ટીના 1,000 થી પણ વધુ બાળકો આજે એન્જિનિયર, ડોક્ટર સહિતની ઉચ્ચ પોસ્ટ્સ પર પહોંચ્યા છે. આ તેમનો સમાજ પ્રત્યેનો અતૂટ પ્રેમ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો – Vijay Rupani: વિજય રૂપાણીના નિધનથી ડ્રાઈવર ભાવુક

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ડૉ. બિલદન શાહે કહ્યું, “વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ આ જ ટ્રસ્ટમાં સારવાર કરાવતા હતા. તેઓ કહેતા કે ‘હું આ ટ્રસ્ટમાં સારવાર કરાવીશ તો અન્ય લોકો પણ સારવાર કરાવવા આવશે.’ તેઓ નિયમિતપણે તેમની દાંતની ટ્રીટમેન્ટ કરાવતા હતા.” ડૉ. શાહે ઉમેર્યું હતું કે, ગત 28 તારીખના રોજ વિજયભાઈ ટ્રસ્ટ ખાતે દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હતા. તે સમયે તેમની પાસે સમય ઓછો હતો, તેથી ટૂંકી સારવાર કરાવ્યા બાદ વિજયભાઈએ કહ્યું હતું કે, “હું લંડન જવાનો છું. લંડનથી પાછો આવું પછી વ્યવસ્થિત રીતે મારી દાંતની ટ્રીટમેન્ટ કરી આપજો.”

Scroll to Top