Vadodara News: વડોદરામાં શુક્રાવરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માગીએ છીએ, કોઇ મળવા દેતું નથી. જે બાદ મુખ્ય પ્રધાને કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો, મને મળીને જ જજો. ત્યારે આ મુદ્દે પીડિત માતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું પોલીસે અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો હતો.
દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે મુખ્યમંત્રી દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક સંધ્યા નિઝામા અને સરલા શિંદે ઊભી થઇને હરણી બોટકાંડ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન.. તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો.’
મુખ્યમંત્રીના આ ક્ષેપ લઇને પીડિત શરલા બેન શિંદે જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડાથી કે કોઈના ઇશારે ગયા નહતા. અમે દોઢ વર્ષથી ન્યાય માટે જજુમી રહ્યા છે જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા. જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા. અમને આશા હતી કે અમારા સંતાનોને ન્યાય મળશે. પરંતુ અમે રજૂઆત કરવા ઊભા થયા ત્યારે મોઢું દબાવી પોલીસે ધક્કા માર્યા હતા.
પોલીસે અમને ઘરે મુકવા આવવાનું કહી પાણીગેટ પોલીસ મથકે લઇ ગયા હતા. ત્યાંથી અમને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી હતી. એક માની મમતા હતી અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા, ક્રાઇમ બ્રાંચમાં અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા. મુખ્યમંત્રીને કોઈ મળવા દેતું નથી જેથી અમે રજુઆત માટે આ રીતે જવાનું નક્કી કર્યું.
જયારે અન્ય એક પીડિત મુઆવીયા શેખના પિતા મહોમ્મદ માહિર ભાઈ શેખે જણાવ્યું હતું કે સીએમને રજૂઆત માટે માત્ર બે મહિલાઓ ત્યાં ગઈ હતી. જો તેની જગ્યા તમામ પીડિતની માતાઓ ગઈ તો અમે આજે પણ છૂટ્યા ના હોત, અમારી સાથે રાજકારણ રમાઇ રહ્યું છે અમને ન્યાય તંત્ર પર પૂરો ભરોશો છે.