Vadatal : સ્વામીનારાયણ મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદજીની હાજરીમાં મોટો નિર્ણય

Gujarat : વડતાલ (Vadatal) ના વિવાદના ઇતિહાસમાં આ વખતે પહેલી વખત બન્યું કે ચૂંટણી ન યોજાઈ અને બાકી જુના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી અને વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજીના સમર્થકો સામસામે લડતા અને મંદિરમાં હાઈવોલ્ટેજ પોલીટીકલ ડ્રામાં થતો. પરંતુ આ વખતે અજેન્દ્રપ્રસદાજીના સમર્થકોએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને કુંડળના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આવકાર્યો પણ હતો ત્યારે હવે વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો.સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી કરવામાં આવી છે. ભરૂચના સંજય પટેલની સેક્રેટરીપદે વરણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ (Vadatal) ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વર્ણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારીની નિમણૂંક દરમિયાન કોણ રહ્યું હાજર

વડતાલ (Vadatal) ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડો. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટાયેલ કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના છ સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી. ટેમ્પલ કમિટીના સૌ સભ્યોનું આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ફુલહાર પહેરાવી તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન વડતાલ (Vadatal) મંદિરના વડીલ સંતો પૂ નૌતમસ્વામી – શ્રીવલ્લભ સ્વામી – બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી – પી પી સ્વામી વગેરે સંતો એ હારતોરા કરીને શુભેચ્છા પાઠવી નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

Scroll to Top