યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024માં, ડેમોક્રેટિક ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. દુનિયાની નજર આ ચૂંટણી પર છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અમેરિકન સમુદાય પર, જે આ ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય અમેરિકન સમુદાયની સંખ્યા લગભગ 52 લાખ
અમેરિકામાં ભારતીય અમેરિકન સમુદાયની સંખ્યા લગભગ 52 લાખ છે. જે અમેરિકામાં બીજા નંબરનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય છે. IAAS 2024 ના સર્વે અનુસાર, લગભગ 26 લાખ ભારતીય અમેરિકનો આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે, જે કુલ ભારતીય અમેરિકન વસ્તીનો મોટો હિસ્સો છે. ભારતીય અમેરિકન વોટિંગ સમુદાયની સરેરાશ વાર્ષિક આવક $153,000 (અંદાજે રૂ. 1.3 કરોડ) છે.
60 ટકા ભારતીય મલા હેરિસને વોટ આપવાના પક્ષમાં
ભારતીય અમેરિકન સમુદાયમાં ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનમાં છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ઘટાડો થયો છે. IAAS 2024ના સર્વે અનુસાર, 60 ટકા ભારતીય અમેરિકન સમુદાય કમલા હેરિસને વોટ આપવાના પક્ષમાં છે. જ્યારે 31 ટકા ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી શકે છે. 2020ની ચૂંટણીમાં 68 ટકા ભારતીય અમેરિકનો જો બિડેનને સમર્થન આપી રહ્યા હતા અને માત્ર 22 ટકા જ ટ્રમ્પને સમર્થન આપી રહ્યા હતા. આ દર્શાવે છે કે, ભારતીય અમેરિકન સમુદાયમાં ડેમોક્રેટિક પાર્ટી માટેના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફ ઝુકાવ વધ્યો છે.
આ સાત રાજ્ય નિર્ણાયક ભૂમિકામાં
અમેરિકન ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા કેટલાક રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે, જેમ કે, એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન. આ રાજ્યોમાં ભારતીય અમેરિકન સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ છે અને તે અહીંના મતદાન પરિણામો પર નિર્ણાયક અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, એટલાન્ટા (જ્યોર્જિયા), ફિલાડેલ્ફિયા (પેન્સિલવેનિયા), રેલે (ઉત્તર કેરોલિના) અને ડેટ્રોઇટ (મિશિગન) ના મેટ્રોપોલિટન વિસ્તારોમાં નોંધપાત્ર ભારતીય અમેરિકન સમુદાયો છે.