નર્મદાઃ દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા કોલોનીમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ એકનાગરમાં ધૂળ ખાઇ રહેલી 150 દુકાનોનો કબજો આદિવાસી સમાજના લોકોને નહીં સોંપતા ચૈતર વસાવાએ તાળા ખોલી શિક્ષિત બેરોજગારોને આપવાનો હુંકાર કર્યો છે. આ મામલે સ્થાનિક યુવાને નર્મદા વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓ દુકાનના બદલામાં આદિવાસીઓની જમીન તેમના નામે કરવાની માંગ કરી રહ્યાં છે.
ચૈતર વસાવાએ કહ્યું કે કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ શરૂ થયું ત્યારે સરકારે રોજગારીના વચનો આપ્યા હતા. પરંતુ આજે આદિવાસી સમાજના ગરીબ ભાઇ-બહેનો પાથરણું પાથરીને ધંધો કરે છે ત્યારે પોલીસ ત્યાં આવીને દંડા મારે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 150 જેટલી દુકાનો બનાવવાંમાં આવેલી છે. આ દુકાનો કેવડિયા હેલિપૅડ, નવા ગામમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહારની જગ્યામાં આવેલી છે.
ત્રણ વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે બનેલી દુકાનો ધૂળ ખાઈ રહી છે. આ દુકાનો એકતાનગરના આદિવાસી સમાજના લોકોને ભાડે આપવાની હતી પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દુકાનો ભાડે આપતા નથી. ચૈતર વસાવાએ કહ્યું કે આ વિસ્તાર અમારો, લોકો અમારા, 10 દિવસમાં અધિકારીઓ દુકાન નહીં આપે તો ધંધો કરવા માંગતા લોકોને દુકાનો ખોલી આપી દેવા કહ્યું છે. ચૈતર વસાવાનો ખુલ્લો આક્ષેપ કર્યો કે ગરીબ આદિવાસીઓની જમીન સરકારે લઈ લીધી છે.
આ મામલે સ્થાનિક યુવાન વિજયભાઇ તડવીએ નર્મદા વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે નર્મદા વિભાગના આધિકારીઓ એક દુકાનની સામે આદિવાસીઓના ખેતર, ઘરની જમીન તેમના નામે કરવાની માંગ કરે છે. આ અંગે અમે ઘણી વખત રજૂઆત કરી પરંતુ અધિકારીઓ કાયદાની આંટીઘૂંટીમાં ફસાવી દુકાનો આપતા નથી. આગામી દિવસોમાં આદિવાસી સમાજના લોકોને ધંધો કરવા માટે દુકાનો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
કેવડિયા કોલોનીમાં ચૈતર વસાવાનો હુંકાર, આદિવાસીઓની જમીન પર કબજો કરનારાઓને ખુલ્લા પાડીશું