Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઉત્તરાયણ નિમિતે મંગળવારે અમદાવાદમાં પતંગ ચાગવી હતી. તો આજે તેમણે અનેક વિકાસ કામોની લોકોને ભેટ આપી છે. આજે અંબોડ ખાતે માણસા તાલુકાના 241 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે અમિત શાહે હર્ષ સંઘવીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું, હર્ષ સંઘવી 24 કલાકની અંદર નિરાકરણ લાવી દિધું છે.
241 કરોડથી વધુ રૂપિયાના લોકાર્પણ કરવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આ પ્રસંગે કહ્યું હતું કે આજે માણસા તાલુકામાં 241 કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. તેઓએ માણસા તાલુકાના સાર્વત્રિક વિકાસ માટે માણસના વતની તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે અંબોડ ખાતેનું માં મહાકાળીનું આ તીર્થધામ દાયકાઓથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ બેરેજ બનવાથી માં ના આંગણામાં બારેય મહિના પાણી ભરેલું રહેશે અને આ સ્થળ આનંદ અને શ્રદ્ધાનું સંગમસ્થાન બનશે.
તીર્થધામ દાયકાઓથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર
તેઓએ ધારાસભા વખતના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે બોરવેલ બનાવવાની પરમિશન ધારાસભ્યો દ્વારા માગવામાં આવતી હતી અને ડાર્કઝોનના કારણે તે શક્ય બનતું ન હતું. આ પરિસ્થિતિ બદલવાનો વિચાર આદરણીય પ્રધાનમંત્રીને તે વખતે આવ્યો અને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાનું કામ થયું.
9000થી વધુ તળાવમાં પાણી નાખવાનું કામ પૂર્ણ થયું
ભરૂચથી ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર થઈને નર્મદા કેનાલ પહોંચાડવામાં આવી. આ નર્મદાના પાણી થકી સમગ્ર ગુજરાતના 9000થી વધુ તળાવમાં પાણી નાખવાનું કામ પૂર્ણ થયું. રાજ્યની ભાજપા સરકારે સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે પાણી પહોંચાડ્યા. ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી અટકાવી પાણીના તળ ઊંચા આવ્યા.