-
Pahalgam Terror Attackમાં ત્રણ ગુજરાતીના મોત
-
સુરતના એક અને ભાવનગરના પિતા-પુત્રનું હુમલામાં મોત
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે બપોરે 2.45 વાગ્યે થયેલા આતંકવાદી હુમલમાં 28 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મંગળવારે હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થયા બાદ બુધવારે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. બંને પિતા-પુત્ર મંગળવારથી ગુમ હતા.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતાં. જેમાં કાજલબેન સહીસલામત મળી આવ્યાં છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
આતંકવાદી હુમલામાં સૌથી પ્રથમ સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા 45 વર્ષીય શૈલેષ કળથિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું હતું. શૈલેષ કલાઠિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર હતા. પરંતુ તંત્રએ યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના એક નહીં, પરંતુ ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. યાદી મુજબ સુમિત પરમાર, યતેષ પરમાર અને શૈલેષ કળથીયાનું મોત નીપજ્યું છે, જેમાં બે ભાવનગરના અને એક સુરતના વ્યક્તિનું મોત થયું છે. મૃતક યતીશભાઇ પરમાર કાળિયાબીડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા હતા, જ્યારે એમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ભાવનગરના 59 વર્ષના વિનોદભાઈ ડાભીની હાલ જમ્મુ કશ્મીરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી ઘાયલ થયા છે. જેમાં મોનિકા પટેલ, રેણું પાંડે ઘાયલ થયા છે જેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કશ્મીર પહોચ્યા છે.