ભાજપના આ નેતા NCPમાં જોડાતા મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ

મહારાષ્ટ્રમાં ચૂંટણીની સીઝન વચ્ચે નેતાઓના પક્ષ-પલટાનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે હવે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રાજકુમાર બડોલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પાર્ટીમાં સામેલ થયા છે. અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેએ તેમનું NCPમાં સ્વાગત કર્યું છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ મળશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ અજિત પવારે ભાજપમાં મોટું ગાબડું પાડતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

પાર્ટીની તાકાત વધશે
‘અજિત પવારે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને લખ્યું કે, પૂર્વ મંત્રી રાજકુમાર બડોલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીમાં સામેલ થયા. અમને ખુશી છે કે રાજકુમાર બડોલે જેવા એક અનુભવી અને અવાજ ઉઠાવનાર નેતાના પાર્ટીમાં સામેલ થવાથી પાર્ટીની તાકાત નિશ્ચિત રૂપે વધશે. હું તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.

2019માં માત્ર 700 મતોથી પરાજય થયો હતો

NCPમાં સામેલ થયા બાદ બડોલેએ કહ્યું કે, ‘છેલ્લા અઢી વર્ષમાં મહાયુતિ સરકારે ખૂબ જ સારું કામ કર્યું છે. મહાયુતિમાં એક સંકલન છે, જ્યાંથી હું ચૂંટણી લડું છું ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની જગ્યા છે. અમને લાગે છે કે, આ સરકાર ફરીથી મહારાષ્ટ્રમાં આવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે, ‘2014થી 2019 સુધી મેં મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રીનું પદ સંભાળ્યું છે. લંડનમાં બાબા સાહેબ આંબેડકરની ગેલેરીને લઈને કામ કર્યું છે. 2019માં માત્ર 700 મતોથી પરાજય થયો હતો. તે બેઠક પરથી આવવું નિશ્ચિત છે.

મહારાષ્ટ્રની અર્જુની મોરેગાંવ વિધાનસભા બેઠક પરથી બડોલે બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગોદીન્યા વિસ્તારમાં તેમનો પ્રભાવ માનવામાં આવે છે. જ્યારે તેમને એ સવાલ કરવામાં આવ્યો કે, શું તેઓ આ વખતે ચૂંટણી જીતી શકશે, તો તેમણે દાવો કર્યો કે બહુ મોટા માર્જિનથી જીતીશ.

Scroll to Top