ગરીબોના હૃદય ચીરીને કમાણી કરતા તબિબોની વૈભવી લાઈફ, 50 હજારની દારૂની બોટલ ઢીચતા

ખ્યાતિ હોસ્પિટલમાં ૧૦ દિવસ પહેલા સંચાલકો અને તબિબોના કારણે બે દર્દીઓનું મોત નિપજાવવાના કેસમાં કાઈમ બ્રાન્ચે વોન્ટેડ ખ્યાતિના ચેરમેન કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલના ઘરે ગુરૂવાર સાંજે દરોડા પાડીને પાંચ કલાક કરતા વધુ સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ગરીબોના હૃદય ચીરીને કરોડો રૂપિયા બનાવનારા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના ઘરમાંથી વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. કાર્તિકના ઘરેથી પોકરના કોઈન પણ મળ્યા હતા. જ્યારે બાકીના આરોપીઓના ઘરેથી કંઇ મળી આવ્યું ન હતું. દારૂ અંગે ક્રાઈમ બ્રાન્ચ પરમિટ અંગેની તપાસ કરીને કાર્તિક પટેલ અને ચિરાગ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરશે. મહત્વનું છે કે મુખ મેં રામ બગલ મેં છુરી, ચીક્કાર દારૂ ઢીચી કાર્તિક બેડરૂમમાં રામધુન વગાડતો હતો. એટલુ જ નહીં ગરીબોનું હૃદય ચીરી ખ્યાતિ હોસ્પિટલના કસાઈઓ 50 હજારની દારૂની બોટલ ઢીચતા અને પોકર રમતાં હોવાના પુરાવા સામે આવ્યા છે.

બંગલામાં ખાખી અને ખાદીને પાર્ટીમાં બોલાવી મહેફિલ માણતા

ગ્લેમિંગ, ઘોડેસવારી, દારૂનો શોખીન કાર્તિક બંગલામાં ખાખી અને ખાદીને પાર્ટીમાં બોલાવી મહેફિલ માણતા હતાં. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે ગરીબોના હૃદય ચિરીને સિંધુભવન રોડ પર અભિશ્રી રેન્સીડેન્સી-૨માં આલિશાન બંગલામાં રહે છે. જેની અંદાજીત કિંમત ૫૦ કરોડથી વધુ છે. આ કાર્તિક પટેલના ઘરે કાઈમ બાન્ચે દરોડો પાડયો હતો. કાર્તિકના બંગ્લામાં રહેલા ઘરઘાટીએ ૨૦ મિનિટ સુધી પોલીસ અધિકારીઓને બંગલાના કેમ્પસમાં જ ઉભા રાખ્યા હતા. PSIએ પંચો સાથે રાખીને પોલીસકર્મીઓને તાળુ તોડવાનો આદેશ આપતા ઘરઘાટીએ આપોઆપ બંગલાનો દરવાજો ખોલી દીધો હતો. ત્રણ માળના બંગલામાં કાઈમ બાન્ચે ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું.

પચ્ચાસ હજારની દારૂની બોટલ મળી આવી

બંગલામાં થિયેટર રૂમ, બાર સ્ટાઇલની વ્યવસ્થા, ૧૫થી વધારે એસી, મેકઅપ રૂમ, પાંચ મિટિંગ હોલ, ડાઈનિંગ એરિયા, લિફ્ટ, ફાઇવસ્ટાર હોટલ જેવા વૈભવી બેડરૂમ વિથ બાથટબ, બાળકો માટે સ્પેશિયલ પ્લે એરિયા સ્ટાઇલમાં બેડરૂમ આવેલો છે. આટલું જ નહીં, કોઈ કારણસર લાઈટ જાય તો તેની માટે સ્પેશિયલ જનરેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બંગલાના ત્રીજા માળે થિયેટર રૂમમાં તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૂની બે બોટલ મળી હતી. જેની ડયુટી ફ્રીમાં કિંમત ૩૫ હજાર કરતા વધારે છે. તે જો કોઇ બુટલેગર પાસેથી ખરીદી હોય તો બ્લેકમાં ૬૦ હજાર કરતા વધારે ભાવ માર્કેટમાં ચાલે છે. બીજી તરફ રાજશ્રી કોઠારી, ડૉ.સંજ્ય પટોલિયા, રાહુલ જૈન અને મિલિન્દ પટેલના ઘરે પણ ક્રાઈમ બાન્ચે દરોડા પાડયા હતા પરંતુ તેમના ઘરેથી કંઈ મળી આવ્યું ન હતું.

Scroll to Top