રહાણે, અય્યર, શૉ જેવા બેસ્ટ બેટરથી સજ્જ મુંબઈની ટીમે સેમિફાઈનલમાં પંડ્યા બ્રધર્સની બરોડાને 6 વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી વખત છે જ્યારે મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2022-23માં જ્યારે તે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી ત્યારે તે ચેમ્પિયન બની હતી. બરોડાની વાત કરીએ તો છઠ્ઠી વખત ટુર્નામેન્ટની ફાઈનલ રમવાનું તેનું સપનું મુંબઈ સામે હાર્યા બાદ ચકનાચૂર થઈ ગયું છે.
મુંબઈ બરોડાને હરાવી બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું
સેમિફાઇનલ મેચમાં મુંબઈની જીતમાં અજિંક્ય રહાણેએ મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તેમણે બીજી વિકેટ માટે અય્યર સાથે 88 રનની ભાગીદારી કરી હતીં. તેણે 98 રનની મોટી ઇનિંગ રમી. રહાણેએ 56 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 30 બોલમાં 46 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ સેમિફાઇનલમાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સુયાંશ શેડગેએ પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. મુંબઈએ 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.આ સાથે મુંબઈએ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
રહાણેએ 56 બોલમાં 98 રન ઇનિંગ રમી
આ પહેલા બરોડાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. બરોડા તરફથી કૃણાલ પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યા માટે આ મોટી મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. બરોડા તરફથી શિવાલિક શર્માએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા.