Swaminarayan : સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં ઘેરાયેલો છે જેનું મુખ્ય કારણ, સ્વામિનારાયણ સંતો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ છે. જલારામ બાપા હોય કે દ્વારકાધીશ, માતાજી હોય કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પર અનેક સ્વામિનારાયણ સંતો દ્વારા બફાટ કરવામાં આવ્યા છે. આ કારણોસર અનેક હિન્દૂઓની લાગણીઓ દૂભાય છે અને કહ્યું હતું કે આ હિન્દૂ દેવી દેવતાઓના અપમાન છે.
જો કે હવે આ મામલે, સ્વામિનારાયણ સંપ્રદાયના જ એસ પી સ્વામીએ આ મામલે તેમના જ સંપ્રદાયના સાધુઓને આડેહાથ લીધા હતા. તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એસ પી સ્વામીએ કહ્યું હતું કે, સનાતનના તમામ ધર્મ ભગવાનને ઓળખાવાના પ્રયત્ન કરે છે. આમાં કોઈ સંપ્રદાયના ઈષ્ટ મોટા નથી કે નાના નથી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં ક્યાંક કોઈ ભૂલ નથી કે ભવિષ્યમાં કોઈ ભૂલ નીકાળી શકશે નહિ. સ્વામિનારાયણ ભગવાને પહેલા જ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે. સ્વામિનારાયણ ભગવાને જે ગુરૂમંત્ર આપ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો તમે બ્રહ્મસિદ્ધિને પણ પ્રાપ્ત કરી લો છો તો પણ, તમે ભગવાન શ્રીકૃષ્ણના દાસ જ છો.
ભગવાન સ્વામિનારાયણે જ વડતાલમાં જે ગાદી સ્થાપી છે તેનું નામ પણ લક્ષ્મી નારાયણ દેવ ગાદી કહેવામાં આવે છે. વડતાળનું મંદિર પણ લક્ષ્મીનારાયણ મંદિર તરીકે જ ઓળખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સમજવું પડશે કે ભગવાનની આજ્ઞામાં જ રહેવાની અને જીવવાની મજા છે. શું અત્યારે આપણે આજ્ઞા પ્રમાણે કાર્ય કરી રહ્યા છીએ કે નહિ વિચારવાની ખાસ જરૂર છે.
તેઓએ ઉમેર્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણમાં ક્યાંક કોઈ એવી વાતો છે જ નહિ, પરંતુ, ભગવા કપડા પહેરી જે પુજાવા – મનાવાના જે ડોળ શરૂ થયો છે તેના કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. આ ધર્મમાં જો કોઈ ક્રાંતિ લાવશે તો તે નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ છે અને અન્ય તમામ સાધુઓને ટકોર કરી હતી.