Swaminarayan: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે રઘુવંશી અને લોહાણા સમાજે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.આ બંન્ને સમાજના ભારે વિવાદ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ આ માફી બાદ પણ મામલો શાંત નથી પડ્યો.સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય સામે વીરપૂરમાં ભારે રોષ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામી સામે સુરતમાં ભારે વિરોધ
સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા વિવાદિત નિવેદન સામે સુરત શહેરના ભાગળ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં જલારામની રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ, બકુલભાઈ અને રસિકભાઈ એ જણાવ્યું હતું કે, આ સંત દ્વારા જે ટિપ્પણી કરાઈ છે.જેના કારણે જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભરાયો છે. આગામી દિવસોમાં આ સંત વીરપુર જઈને જલારામ મંદિરમાં બાપા પાસે માફી માંગે નહિતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ
વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.