Amreli News: અમરેલીમા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપ (BJP) ના જ પૂર્વ હોદેદાર મનિષ વઘાસિયાના જૂથો વચ્ચે બોગસ પત્ર વાયરલ કરવાના આખલા યુધ્ધમા મનિષ વઘાસિયાની ઓફિસમાં રૂ.8 હજારના પગારથી કામ કરતી પાટીદાર સમાજની ટાઇપીસ્ટ યુવતીનું રીઢા ગુનેગારની માફક પોલીસ દ્વારા સરઘસ કાઢવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ ઘટના બાદ પાટીદાર સહિત અન્ય સમાજોમા આક્રોશ ફેલાતા ભાજપના નેતાઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે.આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત આપી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયુ હતું. ભાજપ (BJP) ના આંતરિક ભવાડામા પોલીસને હાથો બનાવીને નિર્દોષ યુવતીને જાહેરમા અપમાનિત કરવાની ઘટના બની છે તેમા ભાજપ (BJP) ના સ્થાનિક પાટીદાર નેતાઓનો જ મુખ્ય રોલ છે. આમ છતા ભાજપ (BJP) ના નફફટ અને બેશરમ અનેક નેતાઓ હજુ પણ પોલીસનો બચાવ કરી સમાજનો દ્રોહ કરી રહ્યા છે. જેના કારણે સમાજ આવા નેતાઓ ઉપર થૂ… થૂ કરી રહયો છે.
પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ
ગંભીર ઘટના હોવા છતા પાટીદાર સમાજના અનેક ધૂરંધર નેતાઓના મોઢે તાળા લાગી ગયા છે. છાસવારે સમાજના હામી હોવાનો દાવો કરી છાતી પીટતા પાટીદાર નેતાઓ બની ગયા છે. કેટલાક ફૂટલા નેતાઓ ઉલ્ટાનો ઘટનાનો બચાવ કરી રહ્યા છે અને આ મુદાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ ઉપર રાજકારણ કરવાનો આરોપ લગાવી પોતાની રાજકીય વફાદારી બતાવવા બેશરમીથી પ્રયાસો કરી રહયા છે. અમરેલી પોલીસે આ હિન કૃત્ય કયા નેતાના દબાણ હેઠળ આચર્યુ છે તે જાહેર થવુ જોઇએ અને આ માટે જે ઘટનાના કેન્દ્રમા છે તે ભાજપ (BJP) ના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જ લોકો સામે આવીને સત્ય જાહેર કરવુ જોઇએ.કૌશિક વેકરીયા હાલ ભીંસ પડતા ભોંભીતર થઇ ગયા છે. જયારે પરસોતમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાલા નફટાઇ પૂર્વક પોલીસનો બચાવ કરી રહયા છે.ભાજપના પાટીદારોમાં એકબીજાનું રાજકારણ ખતમ કરવાની સ્પર્ધા ધીરે ધીરે નિમ્નસ્તરે પહોંચી છે. સમાજ સાથે કોણ છે, વિભિષણો કોણ છે અને શિખંડીઓ કોણ છે તે પણ ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યું છે. સમાજની દીકરીને ખોટી રીતે લેટર કાંડમાં ફસાવી ભાજપ નેતાના અહમ સંતોષવા પોલીસ દ્વારા આ કૃત્ય કરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અમરેલી પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ સાથે પાસ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી એવા અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, રાજકોટના લલિત કગથરા સહિતના નેતાઓ મેદાનમાં આવ્યા છે. પાટીદારોનો એક સમયે ઠેકો લઇ હવે ભાજપની કંઠી બાંધીને બેસી ગયેલા હાર્દિક પટેલ હજુ ભોંભીતર છે.
જવાબદારીમાંથી કોઈએ છટકબારી કરવી જોઈએ નહીં
પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરીયાએ જણાવ્યું છે કે, હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તા સંગઠન પર્વની અંદર પોત પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે.અંદરો અંદરની હરીફાઈના કારણે જે લેટર કાંડ સામે આવ્યો છે તેને લઈ ફરિયાદ દાખલ થઈ છે. તેમાં જે યુવતીની ધરપકડ કરાઇ છે તે માત્ર ઓફિસમાં ટાઈપિંગનું માત્ર કામ કરતી હતી. જેથી પત્રનું શું કરવું અને શું ન કરવું તેની જવાબદારી યુવતીની નહીં પરંતુ તેના માલિકની હોય છે. પરંતુ આ ઘટનામાં યુવતી પર ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તે જ ઓફિસથી થોડા અંતરમાં સરઘસ સ્વરૂપે તેને જાહેરમાં લઈ જવી તે કિસ્સો ગુજરાતમાં લાંછન રૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. કહેવાય છે કે દીકરી આંગનની તુલસીનો ક્યારો હોય છે. આ ઘટના બાદ દરેક સમાજે આગળ આવવું જોઈએ. જે લોકોએ પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેમાં કોઈ અધિકારી હોય કે પછી નેતા હોય તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.વધુમાં અલ્પેશ કથીરિયા જણાવ્યું કે, સમાજના લોકો એટલા માટે આગળ આવી રહ્યા નથી કારણ કે ફરિયાદ કરવાવાળા અને ફરિયાદ કરાવનારા પાટીદાર છે. જે દીકરી છે તે પણ પાટીદાર છે. ઘણા આગેવાન જોડે વાત થઈ છે અને મેં જાતે પણ આ બાબતને લઈ ચર્ચા કરી છે. રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો લાવવો જોઈએ. ફરિયાદીએ જાતે કોર્ટમાં આવી અને આ કેસમાં યુવતીને જામીન.મળે તે માટેના પ્રયાસ કરવા જોઈએ. નીચેની કોર્ટ દ્વારા યુવતીના જામીન રદ કરવામાં આવ્યા છે. જે દીકરી આજે જેલમાં છે. જે દીકરી પોલીસ સ્ટેશનમાં કોઈ દાદર આજ સુધી ચઢી નથી.દીકરીએ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે. તે દીકરીને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગ છે.આ દીકરી પર લાગેલા ડાઘ અને કેસ દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી આ સમાજની અને આ વ્યવસ્થાની છે.પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે અલ્પેશ કથેરીયાએ જણાવ્યું હતું કે,દરેક સમાજે પત્ર લખવો જોઈએ અને તેઓએ આગળ પણ આવવું જોઈએ. આ જવાબદારી સામાજિક આગેવાનોની છે.રાજકીય આગેવાનોથી કોઈ ભૂલ થાય તો તેના કાન આમળવાની જવાબદારી પણ સામાજિક આગેવાનો અને સંસ્થાઓની છે. જે જવાબદારીમાંથી કોઈએ છટકબારી કરવી જોઈએ નહીં.
નમાલો ધણી બૈરી પર શૂરો, યુવતીનો ગુનો શું હતો?, સરકારને શરમ નથી આવતી ?: કગથરા
અમરેલી (Amreli ) માં વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા સામે લેટરબોંબ કાંડમા પાટીદાર સમાજની કુંવારી દીકરીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને પોલીસે સરઘસ કાઢયા બાદ આ મૂદે લોકો ફીટકાર વરસાવી રહયા છે. આ મૂદે મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઇ કગથરાએ પોતાનો વસવસો વ્યકત કર્યો છે અને પોલિસ-સરકાર પર આ મૂદે આકરા પ્રહારો કર્યા છે. અમરેલી (Amreli ) મા પાટીદાર સમાજની કુંવારી દીકરીને અડધી રાત્રે ધરપકડ કરીને બાદમા રીક્ધસ્ટ્રકશનના નામે નામચીન આરોપીઓનુ સરઘસ કાઢે તેમ ફેરવ્યા બાદ પાટીદાર સમાજમા ભારે રોષ જોવા મળી રહયો છે. આ મૂદે મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતુ કે, તમારી દીકરીને રાત્રે 1ર વાગ્યે ધરપકડ કરે અને એનો ગુનો શું હતો ? એ હિસ્ટ્રીશીટર હતી ? શું સમગલિંગ કર્યુ હતું ? શું એ દીકરીએ 30ર કરી હતી ? એક દીકરીએ લેટર ટાઇપ કર્યો અને લેટર ટાઇપ કરવામા તમે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરો એ પણ કુંવારી દીકરીની. પછી અમરેલીમાં સરઘસ કાઢો છો. શરમ આવી જોઇએ. પેલી કહેવત છે ને કે નમાલીયો…. ત્રેવડ વગરનો જે ધણી હોય ને તે બૈરા ઉપર સૂરો હોય. આ સરકાર અને પોલીસ તંત્ર એ બતાવી રહી છે કે નમાલી છે.બુટલેગર ગાડીમાં ઉડાડી નાખે ને પોલીસ પકડી ના શકતી હોય એવી સરકાર અને એનું તંત્ર એક દીકરીનું સરઘસ કાઢે છે. શરમ આવી જોઇએ ! !
બાંભણિયાનું નરો વા… કુંજરો વા, રજૂઆત કરી છે, વાત કરી છે!
પાટીદારોના મામલે હંમેશા ઉગ્રવલણ અપનાવતા પાસના પૂર્વ અગ્રણી દિનેશ બાંભણીયા પણ નરોવા-કુંજરોવા જેવી ભાષા બોલી રહ્યા છે. તેમણે જણાવેલ કે, કૌશિક વેકરીયાના લેટર કાંડ મામલે પાટીદાર નેતાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. બામણીયાએ કહ્યું હતું કે ઓફિસમાં કામ કરતી દિકરીને આરોપી બનાવી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેને મુખ્ય સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી દેવામાં આવી છે. આમ આ મેટર રાજકીય બની ગઈ છે ત્યારે વરઘોડો કાઢવો ન જોઈએ. આરોપીઓ, બુટલેગરો અને રીઢા ગુનેગારોના વરઘોડા ભલે કાઢો. પરંતુ અમરેલીમાં દિકરીનો વરઘોડો કાઢવાની ઘટના નિંદનીય બની છે. ઓફિસમાં કામ કરતી દિકરીએ કોઈના કહેવાથી પત્ર ટાઈપ કર્યો હતો. ક્રિમીનલ રેકોર્ડ ન ધરાવતી દિકરીને આરોપી બનાવવાનું અતિ નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે. અમરેલી (Amreli ) ના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નકલી લેટરકાંડ મામલે મામલે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ફરિયાદી પક્ષના કિશોરભાઈ અને કૌશિકભાઈ સાથે વાર્તાલાપ કર્યો છે. તેમજ દીકરીને જામીન મળે અને આરોપી તરીકે દૂર થાય તેવી વાત કરી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દીકરીને ન્યાય મળે અને જામીન મંજૂર થાય તે અંગે ખોડલધામ પીડિતા સાથે છે. આ દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર થાય તે અંગે ખોડલધામ સાથે છે.
મહેશ કસવાલાના મગરના આંસુ, અમે જામીન માટે પ્રયાસ કરીએ છીએ
સાવરકુંડલાના ભાજપ પાટીદાર ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું સમાજ અને પક્ષના આગેવાનો દીકરીના પરિવારના સંપર્કમાં છે. બે દિવસ પહેલા જામીન મુકાયા ત્યારે અમે વકીલને બહેનના હિતમાં જામીન મૂકવા કહ્યું હતું. ગેરસમજના કારણે તમામ આરોપીના જામીન મુકાયા હતા અને કોર્ટે જામીન ન આપ્યા. ફરી દીકરીના જામીન મૂકવામાં આવ્યા છે અને તેને જામીન મળે તે દિશામાં અમે પણ પ્રયાસ કરીએ છીએ. આ ઉપરાંત કૌશિક વેકરીયા અને દીકરી બંને પાટીદાર સમાજના છે ત્યારે પાટીદાર સમાજ વચ્ચે ફાંટા પડાવવાની રાજનીતિથી દૂર રહેવા અપીલ કરી હતી.
કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયાએ પત્રમાં આ માંગ કરી
આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત કાર્યવાહી કરવા અને જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો માનવ અધિકાર અને મહિલા આયોગમાં જવાની ચીમકી આપી છે.અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચેના રાજકીય વૈમનસ્ય સબબ થયેલા બનાવટી લેટર પેડના કેસમાં પાટીદાર સમાજની અપરણિત દિકરીની કોઈ મુખ્ય ભૂમિકાન હોવા છતાં રાતોરાત તેણીની ધરપકડ અને ત્યારબાદ ગુનાના રીકેટ્રક્શનનાં નામ પર જાહેર માર્ગ પર અસંખ્ય લોકોની વચ્ચે તેણીનું સરઘસ કાઢીને તેણીની જાહેર બદનામી અને તેણીના ભાવી સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ ઊભો કરતી કાર્યવાહી રાજકીય નેતાઓ ના ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાની વ્યાપક લોક ચર્ચા છે. ત્યારે આ ઘટનાની તટસ્થ તપાસ કરી આ પાટીદાર દિકરીને સમાજમાં બદનામ કરવામાં જે પણ દોષિત હોય તે રાજકીય નેતાઓ અને તેમનાં ઇશારે અયોગ્ય કાર્યવાહી કરી આરોપીનાં માનવ અધિકાર અને મહિલા તરીકેના અધિકારોનો ભંગ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આમ જનતાનો આપની સરકાર પર ભરોસો કાયમ રહે.