Surat News: સુરત વરાછાના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણી વરછાની જનતાને તકલીફ પડે ત્યારે તે સરકાર અને અધિકારી સામે અવાજ ઉઠાવતા હયો છે. ત્યારે હવે ફરી વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) ચર્ચામાં છે. વરાછા વિસ્તારમાં પડતી તકલીફ અંગે પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય?
રેલ્વે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ
છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલ્વે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે.આ ઉપરાંત રામનગર ચાર રસ્તા થી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે. સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશનથી લઇ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં વરાછા પોલીસ સ્ટેશનથી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીને કારણે પી.પી. સવાણી સ્કુલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્ઝન આપેલ છે.આ સિવાય પાણીની મેઈન લાઈનો લિકેજને કારણે વરાછા વિસ્તારમાં અવાર-નવાર આડેધડ ખોદકામો પણ થતા રહે છે. તા.16/02/2025 ના રોજ વરાછા સેન્ટ્રલ વેર હાઉસ થી લઇ પોદાર સુધીનો રસ્તો 6 મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
પોલીસ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત
હાલમાં એફિલ ટાવર અને પોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઉભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડ લાઈન માટે છે. પરંતુ તેને બદલે તેઓ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે, અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે. તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાંનો અમલ કરવો જોઈએ. રસ્તા બંધ કરવામાં આવે તેમાં લોકોને પડતી મુશ્કેલી અને હાડમારીનો પણ વિચાર કરી લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાને રાખી વિકાસના કામો થાય પણ લોકોને ટ્રાફિકનો ત્રાસના થાય તે રીતે તબક્કાવાર કામોનુ આયોજન કરવું જોઈએ. તબક્કાવાર રોડ બંધ કરવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.