Surat News: વિકાસથી વંચિત રહી ગયેલા ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેંકવાના ઉદ્દેશ્ય સાથે ભાલો લઈને મેદાનમાં ઉતરી પડેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ આજે (31-12-24) સુરતમાં ધામા નાંખ્યા હતા. પાટીદાર વિસ્તાર પર પસંદગીનો કળશ ઢોળીને બાપુએ ભાજપ સામે સીધો ભાલો ફેંકવાની કવાયત હાથ ધરી હતી. સુરત (Surat) માં લાંબા સમયથી ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી ફાવી નથી. સુરતમાં બાપુએ પડકાર ફેંકતા ભાજપને આડે હાથ લીધા હતા.
પાટીદારોના ગઢ સમાન સુરતમાં બાપુનો હુંકાર
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ સુરત (Surat) માં હુંકાર ફેંકતા કહ્યું સુરતની ચમકને વિશ્વ ફલક સુધી લઈ જવામાં પાટીદાર સમાજનો સૌથી મોટો ફાળો છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. પરંતુ ગુજરાતની આર્થિક રાજધાની તો સુરત જ છે. તેથી સુરત (Surat) નું રાજકારણનું એપી સેન્ટર કહેવાઈ છે. જો સૂરત (Surat) ના લોકોથી ગાંધીનગર અને દિલ્હીનું સિંહાસન ડોલવા માંડે છે. સુરતી (Surat) ઓએ નિડર બનીને દરેક મુસીબતનો સામનો કરવાનો છે. તેમણે સુત્ર આપતા કહ્યું કે નિડર બનો, લિડર બનો. ભાજપ સામે બાંયો ચઢાવનાર સામે ખોટી રીતે ફરિયાદો દાખલ કરીને જેલમાં પુરી દેવામાં આવે છે. આવા પ્રકારનો ભયનો માહોલ ઉભો કરી દેવામાં આવે છે. પરંતુ બાપુ અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (પીપીપી)ના કાર્યકર્તાઓ ડરવાના નથી. દરેક મુસીબતનો સામી છાતીએ મુકાબલો કરશે અને ગુજરાતને ભાજપના ચક્રવ્યૂહમાંથી આઝાદી અપાવશે.
બાપુએ ભાજપને આડે હાથ લીધા
ભાજપને આડે હાથ લેતા કહ્યું ચૂંટણી સમયે હાથ-પગ જોડતા કેસરિયા બ્રિગેડના સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર પાછળથી દિવો લઈને શોધતાય જડતા નથી. તેમનો અહંકાર પ્રજાથી દૂર લઈ જાય છે. બુટલેગરો, કૌભાંડીઓને કેસરી ખેસ પહેરાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવે છે. ભાજપના અસલ કાર્યકર્તાઓનું હ્રદય ઘવાયું છે પરંતુ તેઓ સિસ્ટમ સામે પડી સકતા નથી. તેમને પ્રજાશક્તિ પાર્ટી સ્વરૂપે વિકલ્પ મળી ગયું છે એટલે જેમના હ્રદયભગ્ન થયા હોય એ પીપીપીમાં જોડાઈને લોકોના કામમાં લાગી પડે એવું બાપુએ આહ્વાન કર્યું હતું.
સૂરતીઓને હુરતીઓ કહ્યા
હુરતીઓ દેશના રાજકારણની દશા બદલવાનું ખુમાર છે. તેઓ ધારી લે તો ગાંધીનગર અને દિલ્હીનું સિંહાસન ડોલાવી શકે છે. આ સાથે જ તેમણે ઉમેર્યુંકે ગુજરાતની ચૂંટાયેલી સરકારમાં માત્ર બે જ નામ જાણીતા છે.મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીના નામ સિવાય અન્ય મંત્રીઓ કે ધારાસભ્યોને કોઈ જાણતું પણ નથી. જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર વહીવટી તંત્ર નિયંત્રણ રાખતું હોય છે. આવા પ્રતિનિધિઓ કરતાં પ્રજા શક્તિનો સાધારણ કાર્યકર પ્રજાની પડખે ઉભો રહીને તેમને ન્યાય અપાવવાનું કામ કરશે.