સુરતમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ: 15 ડોકટરોની ધરપકડ, પોલીસે મેગા ઓપરેશન શરૂ કર્યું.
સુરત, 4 સપ્ટેમ્બર 2024: સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા બુધવારે બોગસ ડોક્ટરોના નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો છે. આરોગ્ય જોખમમાં મૂકતા 15 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે માહિતી આપી કે આ તબીબો પાસે કોઈપણ માન્ય ડિગ્રી નહોતી અને તેમણે વિના લાઇસન્સના ક્લિનિકો શરૂ કર્યા હતા. ભૂતકાળમાં કમ્પાઉન્ટર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતાં.
આ ઓપરેશનમાં કુલ 15 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, અને તેમના પાસેથી અલગ-અલગ પ્રકારની દવાઓ સહિત 59,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનની એક વિશિષ્ટ ટીમે આ ઓપરેશનને સફળ બનાવી, સુરતના લોકોના આરોગ્યની સુરક્ષા માટે મોટા પગલા લીધા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ SOG (વિશેષ ઓપરેશન ગ્રુપ) દ્વારા પણ આવા જ પ્રકારના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી હતી.