આ ખાસિયતોથી ભરેલો રાજ્યનો પ્રથમ રબર ડેમ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે આવેલ હેરણ નદી ઉપર બનવા જઈ રહ્યો છે. આ રબર ડેમ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવશે જેના માટે રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત અહીં કેનાલ બનાવવા માટે વધારાના 28 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. આ રીતે રાજ્ય સરકારે રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવા માટે 128 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
હાલમાં આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ રબ્બર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઇ વિભાગની નંબર 2ની કચેરીને સોંપવામાં આવી છે. આ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવનાર ડીમથી આસપાસના લગભગ ૬૦ ગામોને ફાયદો થશે. જેનાથી ગામના લોકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈ ના પાણી માટે રાહત થશે.
જો કે આ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવનાર ડેમની ખાસિયતએ હશે કે તેમાં જરૂરિયાત મુજબ હવા ભરી શકાશે અને જરૂરિયાત મુજબ હવા બહાર કાઢી પણ શકાશે. ચોમાસામાં ડેમમાં એકઠો થયેલો કાંપ દૂર કરવા માટે હવાની મદદથી પાણી બહાર કાઢી શકાશે, અને ડેમમાં પાણીનો સંગ્રહ કરવા માટે ફરીથી હવા ભરી શકાશે. આ ડેમનું કામ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં રબર ડેમનું બાંધકામ, કાંપ દૂર કરવાનું અને નદી કિનારે દીવાલ બનાવવાનું કામ કરવામાં આવશે જયારે બીજા તબક્કામાં કેનાલની કામગીરી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ ડેમ 1958 માં બનાવવામાં આવેલ હતો પરંતુ આ ડેમની હાલત જર્જરિત થઈ જતા અહીંના 60 જેટલા ગામોને પાણીની ઘણી સમસ્યા રહેતી હતી અને અહીંના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નાહોતો. જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા છીછરો થઈ ગયો હતો અને પાણીનો સંગ્રહ થઈ શકતો ન હતો. આવી સમસ્યાના કારણે અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા આ ડેમ તોડીને નવો ડેમ બનાવવા માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ નવો રબર ડેમ બનાવવા માટે રાજ્ય સરકારે 128 કરોડ રૂપિયા ફાળવ્યા છે.