ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ યજમાન ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે પણ આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે.
WTCની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ મહત્વપૂર્ણ
પર્થ ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે ફરી એકવાર નેટ્સમાં બેટિંગ શરૂ કરી છે. ઈન્ડિયા-A સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન રાહુલને જમણી કોણીમાં બોલ વાગ્યો હતો. જેના કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. જો કે રાહુલ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરે તેવી શક્યતા છે. રોહિત બીજી વખત પિતા બન્યો છે અને તે થોડા દિવસ પરિવાર સાથે રહેવા માંગે છે. રોહિત એડિલેડ ટેસ્ટ માટે ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ પર્થ ટેસ્ટમાં શુભમન ગિલના રમવાની શક્યતાઓ નહિવત છે.
શુભમન ગિલનો અંગૂઠામાં ફ્રેક્ચર
શુભમન ગિલ પ્રેક્ટિસ મેચમાં બીજી સ્લિપમાં કેચ લેતી વખતે ડાબા અંગૂઠામાં ઈજાગ્રસ્ત થઈ હતી. મીડિયા રીપોર્ટસ પ્રમાણે ગિલને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર છે અને ટેસ્ટ શરૂ થવામાં એક અઠવાડિયા કરતાં ઓછો સમય બાકી છે તેવામાં ફ્રેક્ચર સારૂ થતા સમય લાગી શકે છે. એડિલેડમાં બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે તેથી એવી સંભાવના છે કે શુભમન ગિલ ત્યા સુધીમાં ફિટ થઈ જશે. આ ઉપરાંત સરફરાઝ ખાનને પણ પ્રેક્ટિસ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી. તે કોણી પકડીને બહાર જતો જોવા મળ્યો હતો. જોકે, સરફરાઝ પર્થ ટેસ્ટ માટે ફિટ થઈ ગયો છે.
ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.