Sayla News : સાયલા તાલુકાના વાંટાવચ્છ (Vanta Vachh) ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડી દારૂની કુલ 10,363 બોટલ (કિં.રૂ.1 ,19,59,900) ઝડપી પાડ્યો હતો. SMC ના દરોડાના પગલે બુટલેગરોમાં નાસભાગ મચી હતી.
SMCએ સ્થળ પરથી કિં.રૂ.1 ,19,59,900નો દારુ, ત્રણ વાહન કિં.40 લાખ સહિત રૂ.1,61,08,900નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. દરોડા દરમિયાન રિતેશ ધર્મપ્રક્ષ ડાગર (રહે.હરિયાણા), પંકજ કૃણાલ સિંહ ડાગર (રહે.હરિયાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરીચા (રહે. સુદામડા), દશરથસિંહ ચંદુભા ઝાલા (રહે. સુદામડા), છત્રપાલ સતુ દરબાર (પીકઅપ ગાડીનો ડ્રાઇવર અને તેનો માલિક) સહિત 31 લોકોને વોન્ટેડ જાહેર કરી કૂલ 33 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
બીજી તરફ દરોડા દરમિયાન SMC ના કર્મીઓ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બુટલેગરોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી નાસી છુટ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સાયલા તાલુકામાં 42 દિવસમાં SMCની આ ત્રીજી મોટી રેઇડ છે. 23મી માર્ચે વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી 23.1 6 લાખની કિંમતનું 30,090 લિટર કેમિકલ જપ્ત કર્યું હતું. ઢાંકણીયાની સીમમાં SMC ની ટીમે 29મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂ.78 લાખનો દારૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂ.1.31 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાસાનો આરોપી 7 દિવસમાં જેલની બહાર આવી ગયો
દારૂના કટિંગમાં મુખ્ય આરોપી તરીકે દેવેન્દ્ર બોરીચાનું નામ ખુલ્યું છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દેવેન્દ્ર બોરીચા ડેન્ડુ ઉર્ફેની 27મી એપ્રિલ 2025ના રોજ LCBએ પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દીધો હતો. ત્યારે સવાલ ઊઠી રહ્યો છે કે પાસા હેઠળ જેલમાં બંધ આરોપી સાત દિવસમાં કેવી રીતે બહાર આવી ગયો.