ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સાંસદમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ તે અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની રકમ મળતી હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને જે NDRFમાંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી. ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારને કેન્દ્રની ખાસ સહાય મળે તે માટે આજના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતને વધારે સહાય મળે તે માટે માંગણી કરી હતી અને ત્યારે આટલું મોટું નુકસાન નહોતું છતાં ઉદાર હાથે NDRFમાંથી સહાય મળી હતી.
NDRFમાંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી
રાજ્યસભામાં જે જવાબ મળ્યો તે ખુબ ચોકવનારો હતો. ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ રાજ્યસભામાં જે જવાબ આવ્યો તેના પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન આપ્યું નથી કે માંગણી કરી નથી. સરકારે ગુજરાતના ખેડુતોનો ઘોર અન્યાય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા થયો છે તેનું ભારોભાર દુઃખ છે.
ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા
સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં એક પક્ષની સરકાર હોય તો તેનો ફાયદો રાજ્યની જનતાને થવો જોઈએ. પરંતુ પેલી કહેવત છે ને મોસાળમાં લગ્ન અને મા પીરસનારી છે તેવો ઘાટ ગુજરાતના ખેડુતો સાથે સર્જાયો છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું ડબલ એન્જિનની સરકારની વાતો કરનાર ભાજપના નેતાઓએ ખેડુતો માટે કંઈ કામ નથી કર્યા અને ગુજરાતની જનતાને માત્ર લૂંટી છે.