Pahalgam Terror Attack: 22મી એપ્રિલ, મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી સંગઠન TRFના આતંકીઓએ ધર્મના આધારે એક પછી એક 28 હિન્દુ પુરુષની હત્યા કરી દીધી હતી. જેમાં સુરતના બેન્ક મેનેજરનું પણ મોત થયું છે. ત્યારે આ ઘટના પોતની નજર સામે જોનારા અને મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ મીડિયા સમક્ષ વર્ણવી હતી.
સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. આ પછી અંતિમ વેળાએ મોટી સંખ્યામાં રાજકીય નેતા અને લોકો જોડાયા હતા.
સુરતના શૈલેષ કળથિયા અંતિમ યાત્રા પહેલાં તેમની પત્નીએ વિલાપ કરતાં ત્યાં ઉપસ્થિત રાજકીય નેતા સામે સરકાર અને સિક્યોરિટી અંગે સવાલો કર્યા હતા. મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ આખી ઘટના વર્ણવતા કહ્યું કે, અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને ભૂખ લાગી હતી એટલે અમે ખાવા ગયા હતા. એટલામાં અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને એટલામાં ટેરેરિસ્ટ અમારી સામે આવી ગયા અને કીધું કે મુસલમાન અને હિન્દુ અલગ થઈ જાવ. આ પછી દરેક હિન્દુ પુરુષને ગોળી મારી દીધી. આ પછી તેઓ ભાગી ગયા અને ભાગીને નીચે આવી ગયા. આતંકીઓએ માથે ટોપી પહેરી હતી અને તેમા કેમેરા પણ લગાવ્યો હતો.
પહેલગામ આતંકી હુમલાન ઘટનાને મૃતકના દીકરાએ વર્ણવી આપવીતિ
મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ પહેલગામ આતંકી હુમલા અંગે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે, અમે પરિવાર સાથે પહેલગામ પહોંચ્યા હતા, હું મમ્મી-પપ્પાએ મને ઘોડા પર બેસાડ્યો અને તેઓ ચાલતા આવતા હતા, જ્યારે અમે ઉપર પહોંચ્યા ત્યારે, અમારી નજીક કંઇક બનવા લાગ્યુ. બે શસ્ત્રધારી આતંકીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે, હિન્દુઓ અને મુસલમાનો અલગ અલગ થઇ જાઓ. તે સમયે અમે ત્યાં 20થી 30 લોકો હાજર હતા. આતંકવાદીઓએ હિન્દુ અને મુસ્લિમોને અલગ અલગ કર્યા અને કલમા પઢવાનું કહ્યું, જેઓએ કલમા પઢ્યા તેમને છોડી મુક્યા, અને હિન્દુ પુરુષોને ગોળીએ વીંધી દીધા, હિન્દુઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આતંકવાદીઓ અમારાથી ફક્ત બેથી ત્રણ ફૂટના અંતરે જ હતા, પછીથી આતંકીઓએ બૂમ પાડી બાળકો ભાગી જાઓ અહીંથી, અને ત્યાંથી ભાગવા લાગ્યા અને તરત જ આંતકીઓ ગાયબ થઇ ગયા.