Sabine Gull: આ પક્ષી નળ સરોવરનું ખાસ મહેમાન

Sabine’s Gull

30 મે 2025 ના રોજ સવારે આશરે 9 કલાકે Nal Sarovar – Ramsar Site ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી Sabine Gull જોવા મળ્યું હતું. જે પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી. આ પક્ષી Wetland માં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓ તેમજ મુલાકાતી પક્ષીપ્રેમીઓએ આનંદપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રી Bhupendra Patel ના માર્ગદર્શન હેઠળ અને વન-પર્યાવરણ મંત્રી Mulu Bera તેમજ રાજ્ય મંત્રી Mukesh Patel ના નેતૃત્વમાં ગુજરાતમાં વન્યજીવોનું વધુને વધુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે વિશ્વભરમાંથી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે તેમ, નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ.સક્કિરા બેગમે વિગતો આપતાં જણાવ્યું હતું.

Sabine Gull

આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું, કારણ કે ‘Sabine’s Gull’ નું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, આવો નઝારો જવલ્લે જ જોવા મળે છે. આ અદ્ભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ 2013 માં કેરળમાં જોવા મળ્યો હતો. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ શ્રી ગનિ સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી.

‘સબાઇન ગુલ’ એક નાનું, સુંદર ગુલ (પક્ષી) છે કે જે તેના આકર્ષક દેખાવના કારણે જાણીતું છે. સંવર્ધન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ નેપ (ડોક)થી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે કે જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ તે બે ગુલમાંનું એક છે કે જેની ચાંચ કાળી, નોક પીળી તેમજ પૂંછ દાંતાવાળી હોય છે.

આ પણ વાંચો – Viksit Krishi Sankalp Abhiyan: ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન

‘Sabine Gull’ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. અન્ય પક્ષીઓની જેમ ‘સબાઇનનો ગુલ’નો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય, પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે.

 

Scroll to Top