દક્ષિણ આફ્રિકાએ શનિવારે પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 233 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બમ્પર ફાયદો થયો છે. શ્રીલંકા સામેની પ્રથમ મેચ જીતીને આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી અને ભારતની નજીક આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ WTC પોઈન્ટ ટેબલમાં 54.17 ટકા પોઈન્ટ સાથે 5માં સ્થાને હતી. જીત બાદ ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે.
આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 233 રનથી હરાવ્યું
દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં પાંચ વિકેટે 366 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. શ્રીલંકાને જીતવા માટે 516 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ (122) અને કેપ્ટન ટેમ્બા બાવુમા 113 રન બનાવી સદી પૂરી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 42 રનના ન્યૂનતમ સ્કોર પર શ્રીલંકાને ઓલઆઉટ કરીને 149 રનની લીડ મેળવી હતી. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યા અને વિશ્વા ફર્નાન્ડોએ બે-બે વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા WTCમાં પ્રથમ સ્થાને
આફ્રિકાની જીતથી ટીમ ઈન્ડિયાને કોઈ નુકસાન થયું નથી. ભારતીય ટીમ આફ્રિકા-શ્રીલંકા ટેસ્ટ પહેલા પણ નંબર વન પર હતી અને હજુ પણ નંબર વન પર છે. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી સૌથી વધુ 61.11 છે. ટીમ ઈન્ડિયાએ 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલમાં 15 ટેસ્ટ રમી છે. જેમાં 9માં જીત મેળવી છે. 5 મેચ હારી અને 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું
આ જીત બાદ આફ્રિકા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકા સામેની જીત બાદ આફ્રિકાની જીતની ટકાવારી 59.26 થઈ ગઈ છે. ત્યારબાદ ત્રીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 57.69 છે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ 54.55 ટકા વિજય સાથે ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા સામે હારેલી શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. શ્રીલંકાની જીતની ટકાવારી 50 છે. આ સાઈકલમાં શ્રીલંકાએ અત્યાર સુધી 10 ટેસ્ટ રમી છે. જેમાં ટીમ 5 જીતી છે અને 5 મેચ હારી છે.