Amit Khunt કેસમાં મોટો વળાંક, પોલીસે દુષ્કર્મની ફરિયાદી કરનાર તરૂણી સહિત ચારની ધરપકડ કરી

Ribda amit khunt case police arret rape victim and three another for honeytrap

રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મ કેસની તપાસમાં કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાયાનો ખુલાસો થયો છે. આ કેસમાં રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતરની સંડોવણી ખુલી છે. આ બંને ઉપરાંત દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલાની મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખુંટ સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 3જી મે, શનિવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખુંટની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસ વચ્ચે વચ્ચે અમિત ખુંટે ગઇ તા. 5ના રોજ રીબડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

અમિતે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસમાં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે, જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને કહ્યું હતું કે અમિત સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂધ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેને મોટી રકમ મળશે. અમિત ખુંટ વિરૂધ્ધ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે.

દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી સહમત થઇ ગઇ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ ચોંકાવનારા ઘટસ્ફોટના અંતે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણી પૂજા જેન્તીભાઈ ગોર અને બંને એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરની વિધિવત ધરપકડ કરી હતી.

આ કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરૂ રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ જારી રાખવામાં આવી છે.

 

Scroll to Top