આજના સમયમાં લોકોને ગાડીઓ ચલાવવાનો ઘણો શોખ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને સગીર વયના યુવાનોમાં કાર ચલાવવાનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે જાણકારોના મતે આમાં બાળકોને કિશોર વયમાં જ વાહન ચલાવતા શીખવાડવાની માતા-પિતાની ઘેલછા પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. બાળકો સ્કૂલ, કૉલેજ જાય છે ત્યારે તેમના માતા-પિતા તેમને ટુ વ્હિલર ચલાવવા આપી દે છે.
ઘણાં માતા-પિતા તો આ નાની ઉંમરે તેમના બાળકોને કાર પણ શીખવાડવા લાગે છે. જેના કારણે તેમના બાળકો સાથે અન્ય લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે આવા સગીર વયના ડ્રાઇવર પ્રતિ દિવસે સરેરાશ બે જેટલા અકસ્માત સર્જે છે. અમદાવાદમાં સગીર ચાલકો દ્વારા થતા અકસ્માતના કિસ્સાઓમાં તેમને વાહન આપનાર વાલી કે વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધવા માટે સુચના પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી જ સગીર વયના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની 727 ઘટના નોંધાઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઇવરો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેમાં 19 મહિલા ડ્રાઇવરનો પણ સમાવેશ છે.
દેશમાં 11,890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2,063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. મધ્ય પ્રદેશ બીજા મહારાષ્ટ્ર ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને આવે છે. 2019થી 2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ 1,956 સગીર વયના લોકો મૃત્યુ પામ્યા અને તેમાંથી 1,500 યુવક અને 456 સગીર યુવતીઓ પણ સામેલ હતી. કેન્દ્ર સરકારે ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ સિસ્ટમમાંથી આ માહિતી આપી છે.
નોંધનીય છે કે રાજ્યમાં ધ મોટર વ્હિકલ્સ એક્ટની કલમ 199A અનુસાર જો સગીર વયના ડ્રાઇવરથી કોઈ સાથે અકસ્માત થાય તો તેમના વાલી-વાહનના માલિકને સૌથી પહેલા જવાબદાર ગણીને તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા સાથે 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો માતા-પિતાની જાણ બહાર આ ગુનો થયેલો હોય તો માતા-પિતા સજાપાત્ર નથી.