SURAT | દુષ્કર્મની ઘટના…પોલીસ ફાયરિંગ…આરોપીનું મોત…શું છે હકીકત?

સુરત જિલ્લાના મોટા બોરસરા ગામની સીમમાં 9 ઓક્ટોબર 2024, બુધવારના રોજ ત્રણ પરપ્રાંતીય શખ્સોએ સગીરા પર ગેંગરેપ કર્યો હતો. આ અંગેની જાણ થતા જ પોલીસ દોડતી થઇ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાંચને માંડવીના તડકેશ્વરમાં આરોપી છુપાયા હોવાની બાતમી મળતા જ પોલીસ તડકેશ્વર ગામ પહોંચી હતી. આ દરમિયાન પોલીસને જોઈને ત્રણેય આરોપીઓએ જેવો નાસવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. ત્રણેય આરોપીઓ પૈકી બે નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ અત્યારે ચાલુ છે. હવે આ મામલે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને આઇજી પ્રેમવીરસિંહ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા કે આરોપી શિવ શંકરનું મોત થયું હતું.

આરોપીના મોતનું સાચું કારણ શું હોઈ શકે?

મૃતક આરોપી શિવ શંકર

ફરાર આરોપી રાજુ

આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેને સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું છે. આ અંગે LCB પીઆઈ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે, “પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતા બપોરના 1:30 વાગે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. તબિયત બગડવા પાછળનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. જ્યારે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.” આ અંગે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, આરોપીને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે,મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ જાણવા મળશે.

મુન્ના અને શિવશંકરનું બીજું નામ એટલે ‘રીઢા ગુનેગાર’

ઝડપાયેલો આરોપી મુન્ના કરબલી પાસવાન

માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનારા આરોપી મુન્ના અને શિવશંકર સામાન્ય નહીં, પરંતુ રીઢા ગુનેગાર હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. શિવશંકર વિરુદ્ધ તો હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. હવે તમે જ વિચારો કે, આવા નરાધમોને આસાનીથી જામીન મળી કઈ રીતે જાય છે? કારણ કે, આપણી આસપાસ ફરતા આ ખુલ્લા સાંઠ જેવા આરોપી કોઈને પણ પોતાનું શિંગડું ભટકાવી શકે છે.

Scroll to Top