Rajkot News | રાજકોટ (Rajkot) શહેરમાં શિક્ષણજગત શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળકીને મારમારી મિત્તલબેન નામની શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં પેન નાખી ઇજા પહોંચાડવા મામલે બાળકીની માતા દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રેલનગર (Railnagar) વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ (Karnavati International School)માં કેજી નર્સરીમાં અભ્યાસ કરતી 4 વર્ષીય બાળકી ગત 11 એપ્રિલ, 2025ના રોજ સ્કૂલથી ઘરે આવી ત્યારે તેની માતાને જણાવ્યું હતું કે ગુપ્તાંગની જગ્યાએ દુખે છે, જેથી ગરમીના કારણે બળતરા થતી હશે, એમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. બીજા દિવસે ફરી સ્કૂલથી આવી બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી માતાએ નીરખીને જોતાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો.
કંઈક અજુગતું થયું છે એવો વહેમ જતાં માતાએ તરત બાળકીના પિતાને જાણ કરી અને દંપતી નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયાં હતાં. અહીં ડોક્ટરે તપાસતાં બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી હતી. બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મૂક્યો હતો.
બાળકીએ પોતાની કાલીઘેલી સ્ટાઇલમાં માતા સહિતના પરિવારજનોને વાત કરી ત્યારે પરિવારજનો ચોંકી ગયા હતા, બાળકીએ પરિવારજનોને કહ્યું હતું કે, ગત તા.11, 12 અને 15ના નર્સરી વિભાગના શિક્ષિકા મિતલબેને ક્લાસરૂમમાં ઢોરમાર માર્યો હતો અને પેન ગુપ્તાંગમાં નાખી દીધી હતી. બાળકીની વાતથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં છેલ્લા બે દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે એમએલસી જાહેર કરતાં મામલો પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે પહોંચ્યો હતો, એ બાદ પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી.
પરિવારજનો શિક્ષિકા મિતલની વિરૂધ્ધ રજૂઆત કરવા શાળાએ પહોંચ્યા હતા. જોકે એક તબક્કે તો સ્કૂલ સંચાલકોએ પણ યોગ્ય જવાબ નહીં આપ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી શિક્ષિકા મિતલ સામે ગુનો નોંધ્યો હતો. બાળકી જે ક્લાસમાં અભ્યાસ કરે છે તેમાં 40 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, બાળકી રિક્ષામાં આવન જાવન કરે છે ત્યારે બાળકીએ માત્ર શિક્ષિકા મિતલનું જ નામ આપતાં આ મામલે શિક્ષણજગતમાં ચકચાર મચી ગઇ હતી.