Rajkot News : તોડકાંડ અને હવાલા કાંડ માટે ગુજરાત સહિત દેશભરમાં જેની છબી અત્યંત ખરડાઇ ચૂકી છે, અને રાજ્યના ગૃહ મંત્રીથી લઇ હાઇકોર્ટ દ્વારા પણ જેમને ‘રિકવરી એજન્ટ’ તરીકે કામ ન કરવા ફટકાર લગાવી છે એ Rajkot પોલીસને ગૃહ રાજ્ય મંત્રી અને હાઇકોર્ટનો ડર ન હોય એ રીતે લાખ્ખોના ‘તોડ’ને અંજામ આપવાનું ચાલુ રાખ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ટૂંકા ગાળામાં EOW (ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ) ના પીઆઇને હાઇકોર્ટે ફટકાર લગાવી હતી, એ પછી 60 લાખના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વિરૂધ્ધ તપાસ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો અને હવે તાજેતરમાં જ પ્રદ્યુમનનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઇને 60 લાખના કથિત તોડકાંડમાં હાઇકોર્ટનું તેડું આવ્યું છે. આમ છતાં દિવસ-રાત તોડ માટે શિકારની શોધમાં રહેતી ચોક્કસ અધિકારોની ટીમની આવી ‘હિંમત’ જોઇ ઉચ્ચ અધિકારીઓની મૌનવૃત્તિ પણ શંકાના દાયરામાં આવ્યા વિના રહેતી નથી. શેરબજાર-એમસીએક્સ અને ક્રિકેટ સટ્ટા બાદ પોલીસને તોડ માટે USDT ક્રિપ્ટો અને GST ચોરીનું નવું ‘શસ્ત્ર’ હાથ લાગી ગયું હોય તેમ GST ચોરીના ધંધામાં સક્રિય લોકોને પકડી પકડીને ધંધાર્થિઓને પકડી પકડીને લાખ્ખોના તોડ થઇ રહ્યા છે. (G-ગ્રાહક,S-શોધી, T-તોડ) તોડ કરવાની પધ્ધતિ પણ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ગેંગની માફક જે તે વ્યક્તિને ઉઠાવી જઇ (કાયદાની પરિભાષામાં અપહરણ જ કહી શકાય) રીતસર ડિઝિટલ એરેસ્ટ કરીને કરોડોના ટ્રાન્જેક્શનના બા-કાયદા ચિઠ્ઠા દર્શાવીને સમગ્ર માહિતી ઇકો સેલ અથવા GST વિભાગને સુપ્રત કરી દેવાની ધમકી આપી રીતસર ખંડણીની જેમ લાખ્ખો રૂપિયાની વસૂલાત થઇ રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
શહેર પોલીસમાં આ પ્રકારે તોડ કરવા માટે પંકાયેલી ચોક્કસ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા ટૂંકાગાળામાં આ પ્રકારે રૂપિયા 10 લાખથી લઇ 60 લાખ સુધીના તોતીંગ તોડ થયાની જાણકારોમાં ચર્ચા થઇ રહી છે. તાજેતરના એક તોડકાંડમાં તો મહિલા પોલીસને સાથે રાખ્યા વિના મહિલાને પણ ઓનેઓન પોલીસની એક પંકાયેલી કચેરીમાં ક્લાકો સુધી બેસાડી રખાયા બાદ જે રીતે દબાવીને તોડ કરવામાં આવ્યો છે રકમ સરકારી
કર્મચારીને નિવૃત્તિ સમયે પી.એફ,ગ્રેચ્યુટીની રકમ મળે એટલી હોવાનું જાણકારો કહી રહ્યા છે. સૂત્રોનું માનીએ શહેર પોલીસના ‘ગ્રહ-નક્ષત્ર’માં શનીની પનોતી બેઠી હોય તેમ આ તોડકાંડના સજ્જડ કહી શકાય એવા પૂરાવાઓ જે રીતે એકત્ર થઇ રહ્યા છે. જોકે પૂર્વ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન અધિકારીના કારણે રાજકોટ પોલીસને કાળી ટીલી લાગી હતી, એથી પણ વધુ કલંક લાગે તેવા ધડાકા-ભડાકા અને કડાકા થઇ શકે છે.
GST ચોરીના કૌભાંડિયાઓને વીણી-વીણીને શિકાર બનાવી રહેલી પોલીસની આ ટીમની ‘તોડ’ કરવાની ‘મોડસ ઓપરેન્ડી’ શાતિર ગૂનેગારોને પણ પાછળ રાખી દે એવી છે. જે તે વ્યક્તિને રોકડ રકમ કે ઓફિસમાંથી ઉઠાવી લઇ પોલીસની બા-કાયદા ઓફિસમાં લઇ જવાય છે. ત્યાં ક્લાકો સુધી માનસિક ટોર્ચર કરીને એટલી હદે ભય પેસાડી દેવામાં આવે કે એ વ્યક્તિ( આમ તો એ પણ ખોટું જ કરતો હોય છે એટલે જ ડરે) બધું રફે દફે કરવા મોટી રકમની માગણી કરવામાં આવે છે. રકમ એટલી મોટી હોય કે એ આપી ન શકે પરંતુ ‘મોતને માગીએ તો તાવ આવે’એ ઉક્તિ મુજબ વાટાઘાટ શરૂ થાય, અને અચાનક એક એવી વ્યક્તિને મધ્યસ્થી તરીકે મૂકવામાં આવે કે છે પોલીસ અને જે તે વ્યક્તિને ઓળખતો(અથવા પોલીસના ડિજિટલ એરેસ્ટમાં રહેલો વ્યક્તિ મધ્યસ્થી તરીકે આવનારનના નામ અને કામ પરિચિત હોય જ) હોય! પછી શરૂ થાય મધ્યસ્થીની ભૂમિકા, પોલીસ શું કરી શકે અને તું કેવો ફસાઇ જઇશ…એવો વધુ ડર બતાવીને પોતે બધું ‘સેટિંગ’ કરી દેશે, અત્યારે અહીંથી નિકળી જા. તેમ કહીને રવાના કર્યા પછી પોલીસ અધિકારી સાથે ગોઠવણ કરીને ‘તોડ’ નો આંકડો જે તે વ્યક્તિને કહે અને પૈસાની વ્યવસ્થા કરવા પોલીસ પાસેથી પાંચ-સાત દિવસની મુદ્દત અપાવી દેવાનો ‘ઉપકાર’ પણ કરે.
હવે તમને એમ થતું હશે કે આ GST ચોરીની માહિતી કેવી રીતે મળે તો એના માટે એક આખું નેટવર્ક હોય છે. જેમકે જે કોઇ વ્યક્તિ GST કૌભાંડના નેટવર્ક ચલાવતા હોવાની ‘ખબરી’ ઓ તરફથી બાતમી મળતા જ પોલીસની ચોક્કસ ટીમ દ્વારા એ વ્યક્તિ પર ‘વોચ’ ગોઠવી દેવામાં આવે છે.(આટલું ચિવટ ડિટેક્શનમાં રાખે તો કદાચ એક પણ ગૂનો અન-ડિટેક્ટ ન રહે!) એ વ્યક્તિ ક્યાં ક્યાં જાય છે, કોને-કોને મળે છે એ માહિતી એકત્ર કરવામાં આવે છે. ‘વોચ’ની સમાંતર જ એ વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો( પરિણિત હોય તો સાસરિયાની પણ )ની તમામ બેંક ડિટેઇલ અને એ પણ બેંકના સ્ટેટમેન્ટ સાથે મેળવી લેવાય છે (આ માહિતી કયા આધારે બેંક પાસેથી મેળવાય છે અને બેંક સત્તાધિશો પણ લેખિત માગણી સિવાય કઇ રીતે કોઇ ગ્રાહકની માહિતી પોલીસને આપે છે એ પણ તપાસનો વિષય છે). આ જ રીતે તેના મોબાઇલની છેલ્લા બે-ચાર મહિનાની કોલ ડિટેઇલ (કોલ ડિટેઇલ, લોકેશન, સીડીઆર મેળવવા માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત પોલીસ અધિકારી સિવાય કોઇને સત્તા નથી.) પણ મેળવી લેવાય છે ! આના પરથી જ આખી સિસ્ટમમાં ગ્રાહકોની કોઇ મહિતી ગુપ્ત, કે સલામત નથી એ પણ ગંભીર બાબત છે. તમને એમ પણ થતું હશે કે આવી કોઈ સત્તા પોલીસ પાસે છે તો બિલકુલ નહિ.
પોલીસ દ્વારા GST ના નામે સંબંધિત વ્યક્તિઓને કચેરીએ લઇ જવામાં આવે છે એવી કામગીરી કરવાની પોલીસ પાસે સ્વતંત્ર સત્તા જ ન હોવાનું GST વિભાગના સૂત્રો અને GST કાયદા નિષ્ણાંતોનો સ્પષ્ટ અભિપ્રાય છે. હા, GST વિભાગને તપાસમાં જે તે પેઢીના બોગસ ડોક્યુમેન્ટ,લેવડ-દેવડ (ટ્રાન્જેક્શન) ના પૂરાવા મળ્યા હોય ત્યારે આવા ધંધાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં પોલીસની ભૂમિકા આવે છે અને એ પણ GST વિભાગ તરફથી લેખિતમાં જાણ કરવામાં આવે (થોડાં સમય પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભગવતીપરા સહિતની પાંચેક પેઢી સામે ગુના નોંધ્યા હતા એ રીતે) પછી જ પોલીસ પોતાની કામગીરી કરે છે. પરંતુ રાજકોટ શહેર પોલીસ જે રીતે GST ના નામે કાંડ કરી રહી છે એ ચોખ્ખો ઓર્ગેનાઈસઝ ક્રાઇમની વ્યાખ્યમાં આવે છે.