Rajkot City bus Accident News | રંગીલું રાજકોટ (Rajkot) આજે રક્ત રંજિત બન્યું. શહેરના વ્યસ્ત એવા ઈન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા. જેના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ભાજપ (BJP) સાથે જોડાયેલા અને સીટી બસનો કોન્ટ્રાક્ટ ધરાવતા રાજપથ કંપનીના વિક્રમ ડાંગરે અકસ્માત બાદ વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લાઇસન્સ વગરના બસના ચાલકને બસ સ્થળ પર મુકીને ભાગી જવા કહ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જનાર ડ્રાઇવર સગીર (17 વર્ષીય) હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ અંગે સીટી બસના ઓપરેટર કે તંત્ર દ્વારા કોઇ નિવેદન આવ્યું નથી.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, જેવું સિગ્નલ ખુલે છે એવું જ સિટી બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવે છે અને સિગ્નલ પર રાહ જોઈ રહેલા અનેક વાહનોને અડફેટે લે છે. જેમાંથી ચાર લોકોના મૃત્યુ થઈ જાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે તેને જોઈને લોકો ખૂબ જ રોષે ભરાયા અને બસ પર પથ્થરમારો કર્યો. બસનો ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે.
અકસ્માતમાં પરિવારજનને ગુમાવનાર સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો. આરોપી ડ્રાઈવરને ઘટના સ્થળે લાવવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જો કે, બાદમાં મૃતદેહ ઘટના સ્થળેથી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યા. ધારાસભ્ય દર્શિતા શાહ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. સવાલ એ છે કે, શું સિટી બસના ડ્રાઈવરને તંત્રએ બેફામ રીતે બસ ચલાવવાની છૂટ આપી છે? શું સિટી બસના ડ્રાઈવરે યમદૂતની જેમ બસ ચલાવવની છૂટ મળી જાય છે? બેફામ રીતે સિટી બસ ચલાવાતી હોવાની ફરિયાદ જનતા અનેકવાર કરી ચુકી છે. પરંતુ તંત્ર ઊંઘી રહ્યું છે કે શું?