- રાજસ્થાનના વેપારી સાથે 4 કરોડની છેતરપિંડી
- GAIL અને ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ સહિત કુલ છ સામે ફરિયાદ
ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત છ શખ્સ સામે રાજસ્થાનના વેપારી સાથે ચાર કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભીલવાડામાં બે અલગ-અલગ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ મામલે વેપારીઓએ નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભીલવાડામાં સીતારમ ટ્રેડિંગ કંપનીના માલિક શૈલેન્દ્ર કાબરાએ ગોકુલ એગ્રી ઇન્ટરનેશલ લિમિટેડ (GAIL) સાથે 900 ટન ખાદ્ય તેલનો સોદો કર્યો હતો. જેમાં ઓક્ટોબર 2024 અને ડિસેમ્બર 2024માં અનુક્રમે 400 ટનનો સોદો પ્રતિ ટન 93,000 હજાર લેખે અને 500 ટન 92,000ના લેખે કર્યો હતો. બંને સોદા પેટે શૈલેન્દ્ર કાબરાએ પ્રતિ ટન 3000 લેખે 27 લાખ ડિપોઝીટ પેટે આપ્યા હતા. પોલિસી અનુસાર એકવાર ડિલ થયા બાદ ભાવ વધે કે ઘટને તે મુજબ ડિલિવરી કરવાની રહે છે, પરંતુ કંપનીએ માલની ડિલિવરી કરી નહોતી.
આ અંગે વેપારીએ કંપનીના અધિકારીઓને વાત કરી તો ત્યારે કહ્યું કે અમે વધેલી કિંમતે માલ અન્યને વેંચી નાખ્યો છે. તમારે માલ જોતો હોય તો વધેલી કિંમતે ખરીદવો પડશે. વેપારીએ વિરોધ કર્યો તો આરોપીઓએ ધમકી આપી કે અમારી પહોંચ ઉપર સુધી છે. ગુંડા, બદમાશો અને શાર્પશૂટરો સુધી અમારી પહોંચ સુધી છે. વધારે હોશિયારી કરી તો મરાવી નાખીશું. આ મામલે શૈલેન્દ્ર કાબરાએ 05-01-2025ના રોજ વિનુ રાજપૂત અને અમૃતજી રાજપૂત સામે નામજોગ અને તપાસમાં તે ખુલે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અધિકારીઓને વધેલી કિંમત પર માલ નહીં ખરીદતા અંદાજે 3.5 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું.
આ મામલે બીજી ફરિયાદ 26-03-2025ના રોજ ભીલવાડા એપીએમસીમાં આવેલી જય ભોલે સુગર કંપનીના માલિક શંકરલાલ ઉર્ફે શંભૂ બિડલાએ ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત છ શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. શંકરલાલે જણાવ્યું કે વેપાર સંદર્ભમાં ગોકુલ એગ્રી ઇન્ટરનેશલ લિમિટેડના વિનુજી અમૃત રાજપૂતના સંપર્કમાં હતા. બંને વચ્ચે વેપાર થતો હતો. દરમિયાન શંકરલાલે ભીલવાડામાં સીતારમ ટ્રેડિંગ કંપનીના માલિક શૈલેન્દ્ર કાબરાની ગોકુલ એગ્રી ઇન્ટરનેશલ લિમિટેડના અધિકારીઓ સાથે કરાવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે વેપાર થતો હતો.
દરમિયાન બંને વચ્ચે વિવાદ થતા સીતારમ ટ્રેડિંગે ભીલવાડા પોલીસ સ્ટેશનમાં GAIL કંપનીના બે અધિકારીઓ સામે નામજોગ અને તપાસમાં ખુલે તેની ફરિયાદ નોંધવી હતી. જ્યારે સામે પક્ષે GAIL કંપનીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં સિતારામ ટ્રેડિંક કંપની અને જવાબદાર વહિવટકર્તા સામે તેમજ જય ભોલે સુગર કંપનીના માલિક શંકરલાલને પણ આરોપી તરીકે દર્શાવ્યા હતા. આ મામલે વિનુજી રાજપૂતે શંકરલાલને ધમકાતા કહ્યું હતું કે અમારી ઓળખાણ સીતારામ ટ્રેડિંગ કંપની સાથે તારા કારણે થઇ છે માટે ફરિયાદમાં તારૂ નામ લખાવ્યું છે અને હવે આ રકમ તારે આપવી પડશે.
વિનુજી રાજપૂતે બળજબરીપૂર્વક સમાધાન પેટે શંકરલાલ પાસેથી 19,00,000 રોકડા અને 7 લાખના ત્રણ ચેક લખીને બાકીને કોરા ચેક લઇ લીધા હતા. આ મામલે અલગ-અલગ તારીખે આ રકમ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા હતા. ત્યાર બાદ સીતારામ અને ગેઇલ વચ્ચે સમાધાન થઇ જતા શંકરલાલે ચેક પાછ માંગતા અધિકારીઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. થોડા દિવસ પછી શંકરલાલના સિક્યોરિટી પેટે આપેલા ચેક બાઉન્સ થયાની જાણ થથાં તેને ફોન કર્યો ત્યારે અધિકારીએ કહ્યું હજુ 21,00,000 આપવા પડે નહીંતર કેશ નોંધવાની રકમ વસુલ કરીશું. આ મામલે શંકરલાલે ગોકુલ કંપનીના 6 અધિકારી વિનુજી અમૃતજી રાજપૂત, બળવંતસિંહ રાજપૂત, વિનોદ રાજપૂત, પ્રવિણ ખંડેવાલ, કેજી વાઘેલા અને કાંતિલાલ પ્રજાપતિ સામે 40 લાખથી વધુની બળજબરૂપૂર્વક વસુલીની ફરિયાદ નોંધાવી છે.
આ કેસમાં 900 ટન સોયાબીન તેલના ભાવના ફર્કથી 3થી 5 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. જેમા ડિપોઝીટ સહિત કૂલ 4 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.