ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ખાણ અને ખનિજ ખનન અને ભારે વાહનોના અવરજવર ને કારણે ઘણા અકસ્માતો થઇ રહ્યા છે. અને ખરાબ રોડ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં રાજપારડી બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી.
બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતીની લીઝો ચાલી
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સામે વાત કરતા કહ્યું કે જીલ્લામાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતીની લીઝો ચાલી રહી છે. જેના કારણે ઓવરલોડ સામાન ભરીને જતા અનેક ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા ટીઆરબી જવાનને એક ટ્રકે અડફેટે લીધા અને તેમની કચડી નાખ્યા હતો. અહીં ચાલી રહેલા રેતી માફિયાના કામો વિરુદ્ધ અમે અગાઉ અનેક રજૂઆતો કરી આવેદનપત્રો આપ્યા, તેમ છતાં પણ તંત્રમાં કોઈપણ વિભાગના પેટનું પાણી હલતું નથી.
gidcમાં સ્થાનિક યુવાનોને નોકરી મળતી નથી
આ ઉપરાંત એશિયાની સૌથી મોટી જીઆઇડીસી ભરૂચ જિલ્લામાં આવેલા છે. પરંતુ આ gidcમાં સ્થાનિક યુવાનોને નોકરી મળતી નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા.સાથે સાથે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયાનો રોડ હોય, અંકલેશ્વર-વાલિયા-નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આ તમામ રોડ મુદ્દે અમે વારંવાર રજૂઆત કરી છે પરંતુ રોડ રસ્તાની પરિસ્થિતિ સુધરતી નથી.
જવાબદારી તંત્રની અને સરકારની રહેશે
સરકારી તંત્રમાં જાણે અમલદારશાહી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. તલાટીથી લઈને કલેક્ટર સુધીના અને પીએસઆઇથી લઈને એસપી કે અમારા જેવા ધારાસભ્ય કે સાંસદસભ્ય, તમામ લોકોને જનતાના ટેક્સના પૈસાથી પગાર મળે છે. અમે તમામ લોકો જનતાના નોકર છીએ. સિલિકા પ્લાન્ટમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ, કલેકટર અને પ્રાંત મામલતદારને પહોંચે છે અને ભાજપના કમલમ સુધી પણ પહોંચે છે. અમારા યુવાનોને કેમ કામ મળતું નથી? આ તમામ મુદ્દા ઉપરનું અમારું આંદોલન છે. જો આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે તો તેની જવાબદારી તંત્રની અને સરકારની રહેશે.