વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહા કુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરી અને હનુમાન કોરિડોર અને અક્ષયવત કોરિડોરના વિકાસ કાર્યોની પ્રગતિ વિશે પણ માહિતી લીધી હતી. 5,500 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ પણ આપી હતી. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મહાકુંભ મેળો હજારો વર્ષ જૂની પરંપરાનો એક ભાગ છે. અહીં કળા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ એકતાનો મહાન યજ્ઞ છે. અહીં સંગમમાં ડૂબકી મારનારા લોકો દેશના ખૂણે-ખૂણેથી આવે છે અને દરેક વ્યક્તિ એક જ રંગમાં ડૂબી જાય છે.
અગાઉની સરકારો મહાકુંભ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહાકુંભ જેવી ઘટનાઓ દેશમાં સકારાત્મકતા ફેલાવે છે. તેના રૂપ અલગ-અલગ હોઈ શકે, જગ્યાઓ અલગ-અલગ હોઈ શકે પણ બધાનો હેતુ એક જ છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન મહાકુંભની જાળવણી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અમારી સરકારમાં અમે ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ શહેરોને ભવ્ય અને દિવ્ય બનાવવાના અભિયાનમાં રોકાયેલા છીએ.
રૂ. 5,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યો
વડાપ્રધાન મોદીએ રૂ. 5,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. તેનો ઉદ્દેશ્ય પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે સુવિધાઓ વધારવાનો અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રીએ પવિત્ર સંગમ – ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર પણ પૂજા કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઐતિહાસિક અક્ષય વડના વૃક્ષ અને હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી.
પ્રયાગરાજએ માત્ર ત્રણ પવિત્ર નદીઓનો સંગમ નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રયાગરાજએ માત્ર ત્રણ પવિત્ર નદીઓનો સંગમ નથી. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ દૈવી શક્તિઓ, તમામ તીર્થસ્થાનો, તમામ ઋષિ-મુનિઓ પ્રયાગ આવે છે. આ એ સ્થાન છે જેના પ્રભાવ વિના કાર્ય પૂર્ણ થતું નથી. વેદોના શ્લોકોમાં આ સ્થાનની પ્રશંસા કરવામાં આવી છે. પ્રયાગ એક એવી જગ્યા છે જ્યાં દરેક પગથિયે પવિત્ર સ્થાનો છે.