પરેશ ગોસ્વામીએ પતંગ રસિકોને આપ્યા ગુડ ન્યુઝ, પતંગ ઉડાડવા ઠુમકા નહીં મારવા પડે

ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર છે! આવતીકાલે એટલે કે મંગળવારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગબાજોને વધુ ઠુમકા મારવાની જરૂર નહીં પડે. હવામાન વિભાગે પવન અને ઠંડીને લઈને આગાહી કરી છે, જે પતંગ રસિકો માટે આનંદના સમાચાર લઈને આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય છે, જેના કારણે પતંગ રસિકો વિના મુશ્કેલીએ પતંગ ઉડાવી શકશે અને ઉત્તરાયણની મજા માણી શકશે.

15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

આ સાથે જ હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ આગાહી કરી છે, જેનાથી ઠંડીમાં થોડી રાહત મળશે. જો કે, ત્યારબાદ તાપમાનમાં ફરીથી ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું જોર ફરી વધશે.હાલમાં રાજ્યભરમાં વહેલી સવારથી ઠંડા પવનની લહેર જોવા મળી રહી છે, પરંતુ ઉત્તરાયણના દિવસે સારા પવનની આગાહીથી પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ૧૯ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન ૮.૮ ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. અન્ય શહેરોનું તાપમાન આ પ્રમાણે રહ્યું: વડોદરામાં ૧૩.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૨.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૧.૮ ડિગ્રી, રાજકોટમાં ૧૧ ડિગ્રી, અમરેલીમાં ૧૩ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૬ ડિગ્રી અને સુરતમાં ૧૮.૪ ડિગ્રી. આમ, હવામાન વિભાગની આગાહી પતંગ રસિકો માટે ઉત્સાહ અને આનંદ લઈને આવી છે.

 

Scroll to Top