Jammu Kashmir News : પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર આઠ ફોરવર્ડ ક્ષેત્રોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી યુદ્ધવિરામ કરાર (ceasefire)નું ઉલ્લંઘન કર્યું છે અને ભારતીય સૈનિકોને વળતો જવાબ આપવાની ફરજ પાડી હતી.
22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબારની આ સતત 11મી રાત હતી.
ભારતે યોગ્ય જવાબ આપ્યો
જમ્મુમાં એક સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 4 અને 5 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરના આગળના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો.
આખી રાત ગોળીબાર કર્યો
પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ ક્ષેત્રમાં પીર પંજાલ રેન્જની દક્ષિણમાં આવેલા પાંચ સરહદી જિલ્લાઓ જમ્મુ, રાજૌરી અને પૂંછ અને કાશ્મીર ખીણમાં બારામુલ્લા અને કુપવાડા જિલ્લાઓ પર આખી રાત ગોળીબાર કર્યો.
કુપવાડા અને બારામુલ્લામાંથીશરૂઆત કરી
શરૂઆતમાં, ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા પર અનેક ચોકીઓ પર નાના હથિયારોથી ગોળીબાર થયો હતો, ત્યારબાદ પાકિસ્તાને પૂંછ સેક્ટર અને પછી જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનનો ઝડપથી વિસ્તાર કર્યો.