India Pakistan News: પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી નાના હથિયારોનો વિના ઉશ્કેરણી પૂર્વક ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો. 13મી રાત્રે પાકિસ્તાને સતત ગોળીબાર કર્યો.
પહલગામ હુમલા (Pahalgam Attack) બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. PM મોદીએ પહેલાથી જ સેનાને કાર્યવાહી કરવા માટે છૂટ આપી દીધી છે. ભારતની લશ્કરી તૈયારીઓ જોઈને, પાકિસ્તાન સતત હુમલાનો ડર અનુભવી રહ્યું છે. પાકિસ્તાન મૂંઝવણમાં છે અને વિશ્વના અન્ય દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. આ કારણોસર, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં આ મુદ્દા પર બંધ બારણે બેઠક બોલાવી હતી, જેથી તે પોતાની મુશ્કેલીઓ જણાવીને અન્ય દેશોની સહાનુભૂતિ મેળવી શકે, પરંતુ ત્યાં પણ પાકિસ્તાનનું અપમાન થયું હતું.
પાકિસ્તાન (Pakistan) પરિષદ (UNSC)નો અસ્થાયી સભ્ય છે અને મે મહિના માટે અધ્યક્ષપદ ગ્રીસ પાસે છે. બંધ બારણે મળેલી બેઠક પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કોઈ જાહેર નિવેદન આપ્યું ન હતું. સભ્યોએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા ‘ફોલ્સ ફ્લેગ’ના દાવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સવાલ કર્યો હતો કે શું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જે પાકિસ્તાન સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે, આ હુમલામાં સંડોવાયેલું છે?
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. UNSCની બેઠકમાં કેટલાક સભ્યોએ ખાસ કરીને ધર્મના આધાર પર ટાર્ગેટ કરાયેલા પર્યટકોના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ઘણા સભ્યોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ ધમકીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી, જેને ઉશ્કેરણી જનક પ્રવૃત્તિ તરીકે જોવામાં આવ્યું હતું. આમ પાકિસ્તાન દ્વારા મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. તેને સલાહ આપવામાં આવી કે તેઓ ભારત સાથે દ્વિપક્ષી રીતે સમસ્યાઓનો ઉકેલ લાવે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના બદલાથી ડરી ગયું છે. પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ડરના કારણે પાકિસ્તાન સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.